ગુજરાત: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સરકારી આરોગ્ય સુવિધાઓને લઈને મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી તદ્દન વિપરીત હોવાનું સામે આવ્યું છે. હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પશન-હેલ્થ ઇન્ડિયાના તાજેતરના અહેવાલે રાજ્યના આરોગ્ય વિભાગની નબળી કામગીરીની પોલ ખોલી દીધી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં 69.5 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 58.5 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલના ભરોસે હોવાનું અહેવાલમાં જણાયું છે.
Decision News ને મેળવેલ જાણકારી મુજબ આ અહેવાલમાં સ્પષ્ટતા કરાઈ છે કે, ગુજરાતની સામાન્ય જનતાનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો છે અને લોકો મજબૂરીમાં સરકારી હોસ્પિટલોના ધક્કા ખાવા કે અપમાનિત થવાના બદલે ખાનગી હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. આ અહેવાલના ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે, રાજ્યના માત્ર 30 ટકા દર્દીઓ જ સારવાર માટે સરકારી હોસ્પિટલોનો આશરો લે છે, જ્યારે 70 ટકા જેટલો મોટો હિસ્સો ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર મેળવવા મજબૂર બન્યો છે.
આ સ્થિતિ માત્ર શહેરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ 58.5 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 69.5 ટકા જેટલો ઊંચો જોવા મળે છે. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને અત્યાધુનિક મશીનરીની અછત સરકારી આરોગ્ય સિસ્ટમ આ પ્રકારે કથળવા પાછળ મુખ્યત્વે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ભારે અછત જવાબદાર છે, જેના લીધે હોસ્પિટલોમાં લોકોને સમયસર યોગ્ય નિષ્ણાતો મળતા નથી. વળી, ડૉક્ટરો પાસેથી બોન્ડ વસૂલાતા હોવા છતાં તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા તૈયાર થતા નથી.











