વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળકુઈ ગામની આદિવાસી યુવતી ડો. રિંકલ ચૌધરીએ મેડિકલ ક્ષેત્રે તેજસ્વી સફળતા હાંસલ કરીને આખા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ખેડૂત પરિવારમાં જન્મેલી રિંકલે સરકારી શાળામાં અભ્યાસ કરીને MBBS ડિગ્રી મેળવીને આદિવાસી સમાજમાં નવી પ્રેરણાનો સંચાર કર્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ રિંકલ ચૌધરી ખેડૂત પિતા દિલીપભાઈ અને ગૃહિણી માતા રેખાબેનની દીકરી છે. તેમણે ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કેળકુઈ અને આસપાસની સરકારી શાળાઓમાં જ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે ભરૂચમાં આવેલા Dr. Kiran C. Patel Medical College and Research Instituteમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો. કુલ 19 વિષયોમાં સફળતા મેળવીને 4.5 વર્ષના અભ્યાસ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ સાથે 5.5 વર્ષમાં આ ડિગ્રી હાંસલ કરી છે. પરિવારના સંઘર્ષ અને ત્યાગને કારણે જ આ સિદ્ધિ શક્ય બની હોવાનું રિંકલ જણાવે છે. માતા-પિતાની સતત પ્રોત્સાહન અને મહેનતે તેમને આ સ્થાને પહોંચાડ્યા છે.

હાલમાં તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ (MD/MS) અભ્યાસ કરવાની તૈયારીમાં છે અને લાંબા ગાળે આદિવાસી વિસ્તારોમાં તબીબી સેવા આપવાનો સંકલ્પ ધરાવે છે. ડો. રિંકલ ચૌધરીની આ સફળતા આદિવાસી સમાજની ખાસ કરીને દીકરીઓ માટે મોટી પ્રેરણા બની છે. તે સાબિત કરે છે કે જો દીકરીઓને યોગ્ય શિક્ષણ અને પારિવારિક સમર્થન મળે તો તેઓ કોઈપણ શિખરને સર કરી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here