રીસર્ચ રીપોર્ટ: Press Freedom index 30 એપ્રિલ, 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરનાર સંસ્થાનું નામ ‘RSF-રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ છે. આ એક આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા (NGO) છે, જેનું મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. આ સંસ્થા દર વર્ષે ‘વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ’ જાહેર કરે છે, જેમાં વિશ્વના 180 દેશોમાં પત્રકારોની કાર્યસ્થિતિ અને મીડિયાની સ્વતંત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ભારત હવે પ્રેસ સ્વતંત્રતામાં 157મા ક્રમે છે, જે પાકિસ્તાન (153), બાંગ્લાદેશ (152), ભૂતાન (150), શ્રીલંકા (134) અને નેપાળ (87) થી પાછળ છે. ભારત 2025માં, 151મા ક્રમે હતું, જેમાં 6 સ્થાનનો ઘટાડો છે. તે ‘very serious’ કેટેગરીમાં છે. 2025માં, સરકારે 24,000થી વધુ ડિજિટલ સામગ્રી બ્લોક કરી હતી. 2023માં, આ સંખ્યા લગભગ 6,000 હતી, અને હવે ચાર ગણી થઈ ગઈ છે. એ સ્પષ્ટ છે કે સરકાર ડિજિટલ મીડિયાની સ્પષ્ટતાથી ખૂબ જ ચિંતિત છે. નવા IT નિયમોની આડમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે.

આપણે એક તરફ ‘મધર ઓફ ડેમોક્રસી’નો ગર્વ કરીએ છીએ તો બીજી તરફ પ્રેસ સ્વતંત્રતામાં આપણે આપણા પડોશીઓથી પણ પાછળ છીએ તે જોઈને શરમ આવે છે. શામાટે આ સ્થિતિ થઈ?

[1] પત્રકારોની સુરક્ષા અને દબાણ: પત્રકારો પર વધતા શારીરિક હુમલા, ધમકીઓ અને ઓનલાઈન ટ્રોલિંગ એક મોટું કારણ છે. ખાસ કરીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા પત્રકારો માટે જોખમો વધ્યા છે. ખાસ કરીને corruption, illegal mining, land scams, environment પર રિપોર્ટિંગ કરનારા પત્રકારો પર હુમલા વધ્યા છે. હત્યાઓ થાય છે. ખાસ કરીને મહિલા પત્રકારો સામે Online trolling વધ્યું છે.

[2] કાયદાકીય પડકારો: ઘણીવાર પત્રકારો સામે દેશદ્રોહ (Sedition) અથવા UAPA જેવા કડક કાયદાઓ હેઠળ કેસ નોંધવામાં આવે છે. આ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓને કારણે પત્રકારોમાં ‘સેલ્ફ-સેન્સરશિપ’ (પોતાની રીતે જ સમાચાર રોકી લેવા) નું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત સત્તાપક્ષના નેતાઓ (નીતિન ગડકરી/ પરિમલ નથવાણી ) અને કોર્પોરેટ ઉદ્યોગગૃહો (અદાણી) બદનક્ષીના કેસો કરાવી પત્રકારોના અવાજને રુંધે છે.

[૩] મીડિયા માલિકીનું કેન્દ્રીકરણ: ભારતના મોટા ભાગના મુખ્ય મીડિયા હાઉસ અમુક મોટા કોર્પોરેટ જૂથોના હાથમાં છે. જ્યારે મીડિયાના હિતો સત્તા સાથે જોડાયેલા હોય, ત્યારે પક્ષપાત વગરના સમાચાર આપવાની ક્ષમતા ઘટે છે. આને ‘કોર્પોરેટાઈઝેશન ઓફ મીડિયા’ તરીકે પણ જોવામાં આવે છે. 2014થી મોદી સરકાર હેઠળ મીડિયા પર ‘unofficial state of emergency’ જેવી સ્થિતિ છે. Adani અને Ambani જેવા સરકાર-નજીકના ઉદ્યોગપતિઓના હાથમાં મોટા મીડિયા હાઉસ છે. તે જે નેરેટિવ બનાવે તે પ્રમાણે ગોદી મીડિયા અમલ કરે છે. ઘણા મીડિયા હાઉસ સરકારી જાહેરાતો પર આધારિત છે. સરકાર વિરોધી સમાચાર આવે તો જાહેરાતો બંધ થઈ જાય છે.

[4] માહિતી પર નિયંત્રણ: ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા માટેના નવા નિયમો (IT Rules) ને કારણે પણ સ્વતંત્ર અવાજો પર નિયંત્રણ આવવાની શક્યતા છે, જે વૈશ્વિક સ્તરે ભારતનું રેન્કિંગ નીચું લાવવામાં ફાળો આપે છે.

[5] ગોદી મીડિયાની નફરતી ડીબેટો/ જૂઠાણા/ વિપક્ષનું ચરિત્રહનન/ સરકારી જાહેરાતોથી સત્ય છૂપાવવું વગેરે હરકતોથી પ્રેસની સ્વતત્રતાની હાલત કથળી ગઈ છે. મીડિયા વડાપ્રધાનને પ્રશ્નો પૂછતા નથી, વિપક્ષના નેતાને પ્રશ્નો પૂછે છે. વડાપ્રધાન 2014થી 2026 દરમિયાન એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. સાચી લોકશાહી માટે સ્વતંત્ર અને જવાબદાર પ્રેસ જરૂરી છે. આ સમસ્યાને સુધારવા માટે માત્ર સરકાર જ નહીં, મીડિયા અને સમાજે પણ આત્મ-ચિંતન કરવું પડશે.

BY: રમેશ સવાણી [1 મે 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here