માંડવી: વાપી-શામળાજી રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૬ના પ્રસ્તાવિત બાયપાસ માર્ગને કારણે પોતાની ઉપજાઉ જમીન અને આવાસો ગુમાવવાની આશંકામાં માંડવી તેમજ માંગરોળ તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોએ સાંસદ પ્રભુભાઈ વસાવાના કાર્યાલયે રજૂઆત કરી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ ખેડૂતોની સમસ્યા અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળી અને તેમના હિતોની રક્ષા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. તેમણે આ મુદ્દે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીને બીજી વખત પત્ર લખીને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓના હિતોને ધ્યાનમાં રાખી યોગ્ય ઉકેલ લાવવા માટે ભારપૂર્વક અપીલ કરી છે.

સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, “વિકાસના કાર્યો જરૂરી છે, પરંતુ તેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જીવન પર પ્રતિકૂળ અસર ન થવી જોઈએ. ખેડૂતોની જમીન, રહેણાંક અને આજીવિકા સુરક્ષિત રહે તે જ અમારું લક્ષ્ય છે.” ખેડૂતો અને ગ્રામજનોએ સાંસદશ્રીના સક્રિય હસ્તક્ષેપથી આશાનું નવું કિરણ જોયું છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદ પ્રભુભાઈ વસાવા સતત ખેડૂતો અને પ્રજાના હિત માટે કેન્દ્ર સરકાર સમક્ષ તેમની વાત મજબૂતીથી રજૂ કરતા રહ્યા છે. આ મુદ્દે સકારાત્મક ઉકેલ આવે તેવી સ્થાનિક લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here