નવસારી: નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ પ્લાઝા પર 1 મેના રોજથી સ્થાનિક GJ-21 વાહનો પાસે અચાનક ટોલ વસુલાત શરૂ કરવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ અન્યાયી નિર્ણય સામે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને છાંયડો હોસ્પિટલ, ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) ગુજરાતના અધિકારીઓને પત્ર લખીને તાત્કાલિક આ ટોલ વસુલાત બંધ કરવાની માંગ કરી છે.

ડો. નિરવ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી સ્થાનિક વાહનોને વિનામૂલ્યે પસાર થવાની સુવિધા હતી. તેમ છતાં કોઈ જાહેરાત કે સ્થાનિક આગેવાનો તથા પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર અચાનક ટોલ વસુલાત શરૂ કરવામાં આવી છે. આનાથી સ્થાનિક જનતામાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.

પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો આ અન્યાયકારી ટોલ વસુલાત તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો આક્રોશિત સ્થાનિક પ્રજા NHAI વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરશે. આવા કોઈ પણ અણધાર્યા પરિણામની સંપૂર્ણ જવાબદારી NHAIની જ રહેશે તેમ ડો. પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે.

સ્થાનિક આદિવાસી સમાજના પ્રમુખ તરીકે ડો. નિરવ પટેલે આ મુદ્દે તમામ સ્થાનિક વાહનચાલકો અને પ્રજાના હિતની વાત કરીને કેન્દ્ર સરકાર તથા NHAIને તુરંત હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. આ મુદ્દે હાલમાં સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે અને જો માંગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનવાની સંભાવના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here