નવસારી: વાંસદા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યએ નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર સ્થાનિક GJ-21 RTO વાહનોને આપવામાં આવતી ટોલ છૂટને કાલથી નાબૂદ કરવાના નિર્ણયનો તીવ્ર વિરોધ કર્યો છે. આ નિર્ણયને જનવિરોધી ગણાવતા ધારાસભ્યે જણાવ્યું કે જો તેને તાત્કાલિક પાછો ન લેવામાં આવે તો વિસ્તારના લોકો સાથે મળીને મોટા આંદોલન માટે મજબૂર બનવું પડશે.
ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, “નવસારીના નજીક આવેલ બોરીયાચ ટોલનાકા પર અગાઉ સ્થાનિક GJ-21 RTO વાહનોને ટોલ છૂટ હતી. પરંતુ કાલથી આ છૂટ ખતમ કરી દેવામાં આવી છે અને સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. આનાથી સ્થાનિકો પર આર્થિક બોજો વધ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે વાંસદા તાલુકા તથા આસપાસના આદિવાસી વિસ્તારોના લોકો રોજગાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ માટે આ જ રસ્તાનો વારંવાર ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં વારંવાર ટોલની ઉઘરાણી લોકોના ખિસ્સા પર વધારાનું ભારણ નાખશે.
ધારાસભ્યે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જો આ જનવિરોધી નિર્ણય જલ્દીથી પાછો નહિ લેવામાં આવે તો અમારા લોકો સાથે મળીને લોકશાહી હક મુજબ મોટું આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે. આની સમગ્ર જવાબદારી હાઇવે ઓથોરિટીની રહેશે.” હાલમાં આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે અને લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) તરફથી આ અંગે હજુ કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી.











