ધરમપુર-કપરાડા: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય રસ્તાઓની હાલત છેલ્લા ઘણા સમયથી અતિશય બિસ્માર હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધરમપુરના ધામણી ગામથી મોટી કોરવળ, મોહનાકૌચાળી અને કપરાડાના પેણધા સુધીનો માર્ગ જર્જરિત અવસ્થામાં છે. આ ગંભીર સમસ્યા અંગે ખેરગામની છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને આદિવાસી સમાજના યુવા અગ્રણી ડો. નિરવ ભુલાભાઇ પટેલે ધરમપુર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે.

કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિથી હાલાકી

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રોડ વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ ત્યારબાદ કામગીરી રહસ્યમય રીતે બંધ કરી દેવામાં આવી છે. જવાબદાર કર્મચારીઓ માત્ર ‘થઈ જશે’ તેવા પોકળ આશ્વાસનો આપી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ડામર અને અન્ય મટીરિયલના ભાવ વધવાને કારણે કોન્ટ્રાક્ટરે કામ અધવચ્ચે અટકાવી દીધું છે, જેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.

ચોમાસામાં સંપર્ક વિહોણા થવાનો ડર

આગામી દિવસોમાં ચોમાસું બેસવાનું હોય, જો આ રસ્તો વહેલી તકે તૈયાર કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન ધરમપુર અને કપરાડાના અનેક ગામો સંપર્ક વિહોણા બની શકે છે. આ વિસ્તારોમાં ઉંચા પુલો અને પાકા રસ્તાના અભાવે ઈમરજન્સી મેડિકલ સેવાઓ પહોંચાડવી પણ મુશ્કેલ બને છે, જેના કારણે ભૂતકાળમાં ગ્રામજનોએ ભારે વેદના ભોગવી છે.

અકસ્માતનો ભય: દિશાસૂચક બોર્ડનો અભાવ

ડો. નિરવ પટેલે રજૂઆતમાં વધુ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે, માકડબન ગામમાં ધામણી તરફ જતા માર્ગ પર ‘જય અંબે પ્રોવિઝન સ્ટોર’ પાસે એક તીવ્ર વણાંક આવે છે. અહીં કોઈ પણ પ્રકારના દિશાસૂચક બોર્ડ કે રેડિયમ સંકેતો ન હોવાથી રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે તેમ છે.
વહીવટી તંત્ર પાસે અપેક્ષા

આદિવાસી સમાજના યુવા અગ્રણી ડો. નિરવ પટેલે DECISON NEWS સમક્ષ જણાવ્યું હતું કે, ચોમાસું માથે છે ત્યારે લોકોની સુખાકારી માટે ધરમપુર-કપરાડા પ્રાંતના વડા આ બાબતે અંગત રસ લઈ વહીવટી કાર્યવાહી કરે અને રસ્તાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here