ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામે ખેડૂતોના પ્રશ્નો અને પડતર માંગણીઓ અંગે આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. વર્ષ 2023માં પાણી પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની માલિકીની જમીનમાંથી પાઇપ લાઈન પસાર કરવામાં આવી હતી, જેનું વળતર આજદિન સુધી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આખરે ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
રાજપુર તલાટ ગામના ખેડૂતોની જમીનમાંથી જ્યારે પાઇપ લાઈન નાખવામાં આવી હતી, ત્યારે વિભાગ દ્વારા યોગ્ય વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ બાબતે અગાઉ પણ ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. તે સમયે અધિકારીઓએ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ વર્ષો વીતવા છતાં ખેડૂતોના હાથમાં માત્ર આશ્વાસન જ આવ્યું છે.
બેઠકમાં લેવાયેલ નિર્ણય
ગામના અસરગ્રસ્ત ખેડૂતોની એક તાકીદની બેઠક મળી હતી. જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી. અંતે, ન્યાય મેળવવા માટે તમામ ખેડૂતોએ એકસૂરે આગામી 5 મી મેના રોજ ધરમપુર પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કરવાનું નક્કી કર્યું છે.
સ્થાનિક ખેડૂતો જણાવે છે કે “અમે શાંતિપૂર્વક અમારો હક માંગી રહ્યા છીએ. જો પાઇપ લાઈન અમારી જમીનમાંથી જતી હોય તો તેનું વળતર મેળવવો અમારો અધિકાર છે. હવે આશ્વાસન નહીં, ન્યાય જોઈએ છે.” – આ આંદોલનને પગલે હવે ધરમપુર વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ કેવી પ્રતિક્રિયા આપે છે, તે જોવું રહ્યું.











