ધરમપુર: આજરોજ ધરમપુરમાં વિદ્યામંદિર શેરીમાળના એક ક્રિશિવ શાહરે નામના વિદ્યાર્થીએ PSE પરીક્ષામાં તાલુકામાં પ્રથમ આવી અને જય કલમીમહેતા નામના બીજા વિદ્યાર્થીએ NMMS મેરિટ લિસ્ટમાં સમાવેશ પામીને સમગ્ર ધરમપુર તાલુકામાં ડંકો વગાડી દીધો છે.

Decision News ને  મળેલી જાણકરી મુજબ ​ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ક્રિશિવ કિરણભાઈ શાહરે એ PSE (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) 2025માં ઝળહળતી સફળતા મેળવી છે. ક્રિશિવે 120 માંથી 92 ગુણ મેળવી સમગ્ર ધરમપુર તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા છે.

જ્યારે વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના જ તેજસ્વી વિદ્યાર્થી જય મુકેશભાઈ કલમીમહેતાએ NMMS (National Means cum Merit Scholarship) પરીક્ષામાં શાનદાર દેખાવ કરી મેરિટ લિસ્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ​જય મુકેશભાઈએ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ૧૨૨ ગુણ જેવો ઊંચો સ્કોર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સફળતાના ફળસ્વરૂપે જયને ભારત સરકાર તરફથી ધોરણ 9 થી 12 દરમિયાન કુલ 48000 ની શિષ્યવૃત્તિ સહાય પેટે મળશે. ​“સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય” એ ઉક્તિને સાર્થક કરતા જયની આ સફળતા તેની સતત મહેનત અને શાળાના શિક્ષકોના માર્ગદર્શનનું પરિણામ છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ સમગ્ર વિદ્યામંદિર પરિવારે જયને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here