સોનગઢ: ગતરોજ સોનગઢ તાલુકાના અગાસવણ ગામે બનેલી યુવાન સેમ્યુલ ગામીતની મોતની ઘટના હવે ચોંકાવનારી હત્યામાં ફેરવાઈ છે. શરૂઆતમાં સ્ટોન ક્વોરીના પાણીમાં ડૂબી જવાથી અકસ્માત મોત થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તપાસ આગળ વધતા હત્યાનો ભેદ ખુલ્યો છે.
ફરિયાદ મુજબ, 5 ફેબ્રુઆરીની સાંજે સેમ્યુલને તેના મિત્ર મારફતે વાઘપાણી ગામ નજીક આવેલી જૂની પાણી ભરેલી સ્ટોન ક્વોરી ખાતે બોલાવવામાં આવ્યો હતો. સેમ્યુલ પોતાની મોટરસાયકલ લઈને ત્યાં પહોંચતા, આરોપી નલીન ગામીતે પહેલેથી ઘાતકી યોજના બનાવી હતી. સેમ્યુલ સ્થળ પર પહોંચતા જ તેને અચાનક ધક્કો મારી ક્વોરીમાં ફેંકી દેવાયો હતો. સેમ્યુલ પાણીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આરોપીએ તેને ફરી પકડીને જબરદસ્તી પાણીમાં દબાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ છે.
આ ઘટનાનો મુખ્ય કારણ સેમ્યુલની પત્ની સાથે આરોપીના આડા સંબંધો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે અગાઉ પણ બંને પરિવારો વચ્ચે વિવાદ થયો હતો અને ગામ સ્તરે સમાધાન કરાયું હતું. છતાં સંબંધો ચાલુ રહેતા અંતે વાત હત્યા સુધી પહોંચી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શરૂઆતમાં આ બનાવ અકસ્માત તરીકે નોંધાયો હતો, પરંતુ સેમ્યુલના મિત્રએ આપેલી મહત્વપૂર્ણ માહિતી બાદ કેસમાં મોટો વળાંક આવ્યો. મિત્રએ ખુલાસો કર્યો કે આરોપીએ અગાઉથી જ સેમ્યુલને ક્વોરી ખાતે બોલાવવાની યોજના બનાવી હતી. આરોપીની ધમકીના કારણે શરૂઆતમાં સત્ય બહાર આવ્યું નહોતું, પરંતુ બાદમાં હિંમત કરીને મિત્રએ સમગ્ર હકીકત પરિવારને જણાવી.
આધારે કાકરાપાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને પ્રેમ સંબંધોના વિવાદો કેટલા ભયાનક અંત સુધી પહોંચી શકે છે તેનો એક ગંભીર દાખલો પૂરું પાડ્યો છે.











