નવસારી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બિનહરીફ ઉમેદવારોના મુદ્દે લોકશાહીના મૂળ સિદ્ધાંત પર સવાલ ઊઠ્યો છે. ઘણા નાગરિકો અને લોકશાહી વિદ્વાનોનું કહેવું છે કે, બિનહરીફ ઉમેદવાર હોય તો પણ તેમની જીત સીધી ઘોષિત કરવી જોઈએ નહીં. આવી ઘોષણાથી જનતાનો વોટ અધિકાર છીનવાઈ જાય છે, જે લોકતંત્ર માટે ખોટું અને અન્યાયી છે.

યુવા સામાજિક કાર્યકર્તા ખેરગામના કીર્તિ પટેલ સ્પષ્ટપણે માંગ કરે છે કે, જો ચૂંટણીમાં માત્ર એક જ ઉમેદવાર હોય તો પણ ઈલેક્શન મશીન (EVM)માં NOTA (None Of The Above) વિકલ્પ રાખવો જ જોઈએ. જો ઉમેદવાર કરતાં NOTAને વધુ મત મળે તો તે બિનહરીફ જીતને રદ કરવી જોઈએ. આમ કરવાથી જનતાને તેમના અસંતોષને વ્યક્ત કરવાનો વાજબી માર્ગ મળે છે.

વધુમાં લોકો કહે છે કે, જ્યારે કોઈ ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવે છે ત્યારે જનતા પાસે ‘પસંદગી’ કરવાનો અધિકાર જ છીનવાઈ જાય છે. લોકશાહીમાં ચૂંટણી એ જનતાનો પોતાના પ્રતિનિધિને નક્કી કરવાનો મહત્વનો અવસર છે. એક જ પક્ષ કે એક જ ઉમેદવાર મેદાનમાં હોય તો પણ જનતાને એ વ્યક્તિ સ્વીકાર્ય છે કે નહીં તે જાણવા માટે પૂર્ણ મતદાન થવું જ જોઈએ.

આ મુદ્દો હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોક સવાલોના કેન્દ્રમાં છે. નાગરિકોની માંગ છે કે ચૂંટણી પંચે આ અંગે વિચારણા કરીને નિયમોમાં જરૂરી ફેરફાર કરે જેથી લોકશાહી વધુ મજબૂત અને વાસ્તવિક બને. બિનહરીફ જીતની વ્યવસ્થા જનતાના અધિકારને કેવી રીતે અસર કરે છે તેના પર વધુ ચર્ચા અને વિચાર વિમર્શની જરૂર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here