રાજનીતિ: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત)ની 15 એપ્રિલ 2026 સુધીની સ્થિતિ જોઈએ તો આપણે કહી શકીએ કે આ લોકશાહી નથી, આ તો માર્કેટિંગ યાર્ડની હરાજી-કડદા જેવું લાગે છે. મતદાન 26 એપ્રિલે અને પરિણામ 28 એપ્રિલે છે.

અહીં સત્તાની છડે ચોક નાગાઈ જોઈ શકાય છે. અહીં ધાક-ધમકી અને પૈસાનો ખેલ જોવા મળે છે. પોલીસનું અને ચૂંટણી અધિકારીઓનું એક તરફી વલણ છતું થાય છે. ચૂંટણી આચાર સંહિતાનું કે ચૂંટણીપંચનું અસ્તિત્વ જ નથી. ‘જેની લાઠી એની ભેંશ/ બળિયાના બે નહીં, બધા ભાગ’; એવી સ્થિતિ છે.

ઉમેદવારોમાં સેવાની તત્પરતા તો છલકાઈ રહી છે. જેમને ટિકિટ ન મળી તે રડવા લાગે છે. વિપક્ષના અને અપક્ષ ઉમેદવારો ઉમેદવારી પત્ર પરત ખેંચવા કડદા કરે છે. સત્તાપક્ષ મોં જોઈને ચાંદલો કરે છે! કોંગ્રેસે તો પોતાના 100 ઉમેદવારોને સુરક્ષિત રિસોર્ટમાં રાખ્યા છે. સત્તાપક્ષના લૂંટારાનો કેટલો ડર? જો કે આ રીતે સુરક્ષિત રાખવા પડે તે ઉમેદવારો ચૂંટાય જાય તોપણ લોકોની કેવી સેવા કરે? ભાજપના ડરપોક ઉમેદવારોને સંતાડવા પડતા નથી, એમના માટે કાયદો-વ્યવસ્થા બરાબર કામ કરે છે!

ચૂંટણીમાં સ્પર્ધા ન હોય તો સમરસ ચૂંટણી કહેવાય. એટલે કે બિનહરીફ બેઠકો જાહેર થાય છે. કુલ 194 બેઠકો બિનહરીફ થઈ છે. ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માતો 700 બેઠકો બિનહરીફ થઈ છે તેવું કહે છે.

આશ્ચર્યની બાબત એ છે કે લગભગ તમામ બિનહરીફ બેઠકો ભાજપના ઉમેદવારોની છે. નવસારી જિલ્લામાં 58 બેઠકો (જિલ્લા પંચાયત 9, ગણદેવી તાલુકા પંચાયત 12, ગણદેવી નગરપાલિકા 22 વગેરે) કડી નગરપાલિકામાં 28 બેઠકો. ઉંઝા નગરપાલિકામાં 22 બેઠકો. વ્યારા નગરપાલિકામાં 8 બેઠકો. ગોંડલમાં 23 બેઠકો. અન્ય જિલ્લાઓમાં પણ ભાજપે ડઝનબંધ બેઠકો બિનહરીફ મેળવી છે. વિપક્ષ (કોંગ્રેસ/આપ)ની માત્ર 1-2 બેઠકો જ બિનહરીફ થઈ છે.

બીજો એક ચમત્કાર એ થયો છે કે વિપક્ષના જ ફોર્મ રિજેક્ટ થયા છે! આખા રાજ્યમાં 9,819 ફોર્મ રિજેક્ટ થયાં. જેમાં મહાનગરપાલિકામાં 1,934/ નગરપાલિકામાં 1,164/ પંચાયતોમાં 6,721 ફોર્મ રદ થયા. તે બધા કોંગ્રેસના/ આમ આદમી પાર્ટીના તથા અપક્ષના હતા. ભાજપના કોઈ ઉમેદવારીપત્રો રિજેક્ટ ન થયા! ભાજપનું ઉમેદવારી પત્ર રિજેક્ટ ન થાય; ચૂંટણી અધિકારી થરથર કાંપે છે. ઉમરગામના મામલતદાર દલપત બ્રાહ્મણકાચ્છે આત્મહત્યા કરી. એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભાજપના આગેવાનો અને વકીલોએ મામલતદાર કચેરીમાં આખો દિવસ હાઈવોલ્ટેજ ડ્રામા કરી દબાણ સર્જ્યું હતું. નિવૃત્તિને આડે માત્ર એક વર્ષ બાકી હતું ત્યારે રાજકીય દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા આ અધિકારીએ 13 એપ્રિલ 2026ના રોજ ટ્રેન નીચે પડતું મૂકી આત્યંતિક પગલું ભર્યું હતું. કેટલું શરમજનક! ગુંડાઓ જો મામલતદારનો જીવ લઈ લે તો સામાન્ય નાગરિકની કેવી સ્થિતિ હશે?

કેટલાંકને પ્રશ્ન થાય છે કે NOTA (None of the Above)નો વિકલ્પ છે, જે તમામ ઉમેદવારોને નકારવાની તક મતદારને આપે છે. પરંતુ તે માત્ર ઘૂઘરો છે, ખાલી સંતોષ લેવાનો, પ્રતીકાત્મક (symbolic) છે. તેની કોઈ કાનૂની અસર નથી. એટલે કે, NOTA સૌથી વધુ મત મેળવે તો પણ તે ઉમેદવાર જીતે જ છે (જ્યાં મતદાન થાય છે).બિનહરીફ કિસ્સામાં મતદાન જ થતું ન હોવાથી, મતદારોને NOTA આપવાનો અવસર જ મળતો નથી. આને કારણે ઘણા લોકો આને લોકશાહીની મર્યાદા માને છે, કારણ કે મતદાર પોતાના અસંતોષને વ્યક્ત કરી શકતો નથી.સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અનેક PIL દાખલ થઈ છે. અરજીકર્તાઓની માંગણી છે કે બિનહરીફ કિસ્સામાં પણ મતદાન યોજાવું જોઈએ જેથી મતદારો NOTA આપી શકે અને જો NOTA વધુ મત મેળવે તો ચૂંટણી રદ કરીને નવી ચૂંટણી કરવી જોઈએ. પરંતુ Election Commission of India (ECI) અને કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ માટે કાયદામાં સુધારો જરૂરી છે. અત્યાર સુધી કોઈ નિર્ણય થયો નથી કે NOTAને બિનહરીફમાં લાગુ કરવામાં આવે.

ચૂંટાયેલા ઉમેદવારોનો વિકાસ અચૂક થાય છે, એટલું જ નહીં ઉમેદવારી પત્ર પરત ખેંચતા વિપક્ષના / અપક્ષ ઉમેદવારોનો પણ એક સાથે ગુપ્ત રીતે વિકાસ જરુર થાય છે! મતદારોને તો માત્ર કુશાસનના ફળ મળે છે !

 BY: રમેશ સવાણી [15 એપ્રિલ 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here