વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા લવાછા ગામમાં વર્ષોથી ચાલી આવતો પરંપરાગત હોળીનો મેળો આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો હતો. આ મેળો આ વિસ્તારની સમૃદ્ધ સંસ્કૃતિ, સામાજિક એકતા અને આનંદનો અનોખો પ્રતીક છે, જે દર વર્ષે હજારો લોકોને આકર્ષે છે.

આ પાવન પર્વના ઉદ્ઘાટનનો ગૌરવપૂર્ણ અવસરને લઈને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને સંબોધિત કરતાં કહ્યું કે, “લવાછા ખાતેનો આ હોળી મેળો માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. સૌ નાગરિકોને વિનંતી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ આનંદોત્સવને વધુ સફળ બનાવો.” હોળીના પાવન પર્વ નિમિત્તે તેમણે સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપા પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બળવંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પંકજભાઈ દેગામ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુભાષભાઈ પટેલ (મોટીતંબાડી), લવાછા સરપંચ શ્રીમતી જીનલબેન પટેલ, મોટીતંબાડી સરપંચ શ્રી વિનોદભાઈ પટેલ, ચીભડકચ્છ સરપંચ શ્રી કલ્પેશભાઈ પટેલ, કરમખલ સરપંચ શ્રી રમેશભાઈ પટેલ તેમજ નાનીતંબાડી સરપંચ શ્રી મિતેશભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીઓ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

લવાછા હોળી મેળો આ વિસ્તારના આદિવાસી અને સ્થાનિક સમુદાયની પરંપરાઓને જીવંત રાખવાનું મહત્વનું માધ્યમ છે. આ મેળામાં રંગોની રમત, લોકસંગીત, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે. આ ઉત્સવ દરમિયાન સૌએ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં હોળીની ઉજવણી કરી હતી. આવા પરંપરાગત મેળાઓ આપણી સાંસ્કૃતિક વિરાસતને મજબૂત બનાવે છે અને આવનારી પેઢીને પણ આનો અનુભવ કરાવે છે.