પારડી/ખેરલાવ: ખેરલાવ ગામના વતની અને આદર્શ કેળવણી મંડળ સંચાલિત સર્વજનિક વિદ્યાલય, એકલારા ખાતે આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શ્રી ધર્મેશ શંકરલાલ પટેલે શૈક્ષણિક, સંશોધન અને શાળા વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરીને સમગ્ર ખેરલાવ ગામનું નામ રોશન કર્યું છે. તેમની આ વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ બદલ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી રાજેશ્રીબેન ટંડેલ તથા વલસાડ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
શ્રી ધર્મેશભાઈ પટેલે પોતાના ક્ષેત્રમાં બહુમુખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે: વર્ષ 2023-24 દરમિયાન તેમણે ઓપન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરી MSW (માસ્ટર ઓફ સોશિયલ વર્ક)ની ડિગ્રી સફળતાપૂર્વક મેળવી હતી. વર્ષ 2026ના સાયન્સ ફેરમાં માર્ગદર્શક શિક્ષક તરીકે તેમની કૃતિ સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘એગ્રીકલ્ચર’ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી હતી. આ કૃતિ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા ૩-૪ વર્ષોમાં તેમણે CSR ફંડના માધ્યમથી ₹1 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. આદર્શ કેળવણી મંડળના માર્ગદર્શન અને શાળાના શિક્ષકોના અભૂતપૂર્વ ટીમવર્ક દ્વારા તેમણે હોસ્ટેલ બિલ્ડિંગ, ભોજનાલય, સાંસ્કૃતિક ભવન, આધુનિક સાયન્સ લેબ, ટોયલેટ બ્લોક, સેનેટરી મશીન, વોટર હીટર તથા વિદ્યાર્થીઓ માટે વિવિધ પુરસ્કારો જેવી સુવિધાઓ ઊભી કરી છે.
શ્રી ધર્મેશભાઈ પટેલની આ પ્રેરણાદાયી કામગીરીથી સમગ્ર ખેરલાવ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. ગામજનો, શૈક્ષણિક જગત અને શુભેચ્છકો તરફથી તેમને આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.











