વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પાંચ જેટલા શ્રમિકોને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બ્રિજની કામગીરી ચાલી રહી હતી ત્યારે બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. બનાવની ખબર મળતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર આવી શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ દિવ્યભાસ્કર સાથે વાત કરેલી તેના અંશો:
વલસાડ કલેક્ટર ભવ્ય વર્મામાનું કહેવું છે કે આ દુર્ઘટનામાં પાંચ લોકોને ઇજા થઈ છે. જેમાં ચાર લોકોની તબિયત સારી છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી છે. 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. બે વર્ષ રહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઇમલાઇન છે. અમે બનાવને લઈને કમિટીની રચના કરીને તપાસ કરીશું.
આ મામલે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે, સુરતના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે અને એક-બે દિવસમાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. જેક ચઢાવવામાં ભૂલ કરી એટલે સ્લીપ થઈ ગયો ગડર એટલે હાલમાં મેન્યુઅલ લાગે છે. અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લિપ થઈ ગયો હતો. અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરાયો છે.
પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોત નથી થયું પાંચ લોકોને ઇજાઓ પહોંચી છે, અમે અમારા અધિકારીઓ સાથે મિટિંગ કરીશું અને ક્ષતિ ક્યાં રહી એ તપાસ કરીશું, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેશું.
બ્રિજ બનાવતા કોન્ટ્રાકટર જયેશ પટેલે કહ્યું કે, હ્યુમન એરર લાગે છે અને આ ટેમ્પરલી સ્ટ્રકચર છે, પાંચ જણાને ઇજા થઇ છે. તમામ લોકોનો અને બ્રિજનો ઇન્સોરન્સ લીધેલો છે. અહીં આજે પાચ લોકો જ કામ કરતા હતા.
ફાયર મેન લલિત પરમારે કહ્યું કે નવ વાગીને 20 મિનિટે અમને કોલ મળ્યો હતો. કોલ મળતાં અમારી ટીમ અહીં પહોંચી હતી અને ચારેક શ્રમિકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં અમે તપાસ કરી છે પરંતું કોઈ નીચે દબાયેલું નથી. દુર્ઘટના કેમ ઘટી તે તપાસનો વિષય છે.











