નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ રાત્રે તેમનું નિધન થતાં નર્મદા, તમામ આદિવાસી વિસ્તારોમાં ગહન શોક ફેલાયો છે.

છ દાયકાથી વધુ સમય સુધી ફાધર બરેચીએ આદિવાસી સમાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. દુષ્કાળના કપરા સમયે પોતે ટ્રક ભરીને અનાજ લઈને ગામડે-ગામડે પહોંચનારા, ગરીબ આદિવાસી બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી શાળાઓ-હોસ્ટેલો સ્થાપનારા અને હજારો પરિવારોનું ભવિષ્ય બદલી નાખનારા આ મહાન વ્યક્તિની ખોટ હવે કોઈ ભરી શકે તેમ નથી.

આજે જે હજારો આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, તલાટી, પોલીસ અધિકારી કે મોટા ઉદ્યોગપતિ બન્યા છે, તેમની સફળતા પાછળ ફાધર બરેચીની શાળાઓનો સૌથી મોટો હાથ છે. આદિવાસી નેતા તથા ધારાસભ્ય ચૈતર વસાવાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું: “ફાધર બરેચી અમારા આદિવાસી સમાજના સાચા પિતા હતા. તેમણે જ અમને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું, સંગઠિત કર્યા અને આગળ વધવાની તાકાત આપી. તેમના વિના આજનો આદિવાસી સમાજનો વિકાસ અધૂરો રહેત. તેમનું ઋણ અમે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી.” હજારો આદિવાસી ભાઈ-બહેનો ઉમટી પડ્યા છે. દરેકની આંખોમાં આંસુ અને હોઠ ઉપર એક જ વાત: “ફાધર સાહેબ, તમે અમારા માટે જે ઉમદા કાર્યો કર્યા છે, તે અમે હંમેશા યાદ રાખીશું. તમારું ઋણ ક્યારેય નહીં ભૂલીએ.”