રાજકોટ: ગતરોજ રાજકોટ શહેર શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ હબ તરીકે વિકસી રહ્યું છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઘરઆંગણે ઉપલબ્ધ થાય તે માટે નારાયણ ઈ-ટેકનો સ્કૂલ દ્વારા રેલનગર ખાતે ગ્રાન્ડ ઓપનિંગ તથા પૂજા વિધિનો ભવ્ય કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા તથા સૌરાષ્ટ્ર કમલમ ન્યૂઝના શ્રી અમિતભાઈ વાકાણી ઉપસ્થિત રહ્યા હતા. બંને મહેમાનશ્રીઓના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઈ-ટેકનો સ્કૂલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ અવસરે રામભાઈ મોકરિયા સાહેબે શાળાના સંચાલકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે નારાયણ ઈ-ટેકનો સ્કૂલ જેવી નવીન શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના સર્વાંગી વિકાસ અને ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સંસ્કારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. શાળાના સંચાલકશ્રી તથા પ્રિસિપાલશ્રી એ રામભાઈ મોકરિયા સાહેબને બુકે આપી સન્માનિત કર્યા હતા.
સ્કૂલ સંચાલકશ્રી એ જણાવ્યું હતું કે નારાયણ સ્કૂલ્સ છેલ્લા ૪૭ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહી છે. સમગ્ર ભારતમાં ૨૪ રાજ્યોમાં ૨૫૦થી વધુ શાખાઓ કાર્યરત છે, જ્યાં દર વર્ષે ૬ લાખથી વધુ વિદ્યાર્થી ગુણવત્તાસભર શિક્ષણનો લાભ લે છે. નારાયણ સ્કૂલ્સમાં ૯૦૦થી વધુ અનુભવી શિક્ષકો અને 50,000 થી વધુ સ્ટાફ સભ્યો સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગુજરાતમાં નારાયણ સ્કૂલ્સની શાખાઓ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, અંજાર, વલસાડ, વાસણા ભયલી, સાર્થના તથા રાજકોટ (રેલનગર) ખાતે સફળતાપૂર્વક શિક્ષણ સેવા આપી રહી છે.











