વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં મોડી રાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. છરવાડા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી અને પછી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને આસપાસના લોકો એકત્રિત થયા અને ભાગી રહેલા કાર ચાલકને ઝડપી લીધો હતો. ગુસ્સે થયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક આપ્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી.

અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે-ત્રણ અન્ય લોકોને પણ નાની-મોટી સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથકે આ અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ ચાલકના નશાના કારણે અને અકસ્માતના કારણ અંગે વિગતવાર તપાસ કરી રહી છે. સ્થાનિકોના મતે, આ વિસ્તારમાં બેદરકારીથી વાહન ચલાવવાના આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.