ધરમપુર : ધરમપુર તાલુકામાં વર્ષ ૨૦૨૨માં પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખવામાં આવેલી પાઈપલાઈનનું વળતર આજદિન સુધી ન મળતાં આક્રોશિત ખેડૂતોએ આજરોજ ધરમપુર પાણી પુરવઠા કચેરી ખાતે વિરોધ નોંધાવી ધરણાં પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2022માં પાણી પુરવઠા વિભાગ ધરમપુર દ્વારા રાજપુર તલાટ, વિરવલ, નાનીઢોલડુંગરી, ખટાણા અને ધરમપુર આસપાસના વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી પાઈપલાઈન પસાર કરવામાં આવી હતી. જોકે, ચાર વર્ષ જેટલો સમય વીતી જવા છતાં ખેડૂતોને કાયદેસરનું વળતર ચૂકવવામાં આવ્યું ન હોવાથી ખેડૂતો સાથે અન્યાય થતાં આજે તમામ અસરગ્રસ્ત ખેડૂતો એકઠા થઈ કચેરી ખાતે ધરણાં પર બેઠા હતા.
કલ્પેશ પટેલે જણાવ્યું કે: “વર્ષ 2022થી ખેડૂતો પોતાની જમીનમાં પાઈપલાઈન નખાવા દીધા બાદ પણ પોતાના હકનું વળતર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. વહીવટી તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો આપેલા સમયગાળામાં ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.”
ખેડૂતોના વિરોધ અને ધરણાં પ્રદર્શનને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું. કચેરીના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે વાટાઘાટો હાથ ધરીને આગામી 25 દિવસની અંદર તમામ બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવી દેવાની લેખિત/મોખિક હૈયાધારપણ આપવામાં આવી હતી. તંત્ર તરફથી ખાતરી મળતાં ખેડૂતોએ હાલ પૂરતું આંદોલન સમેટી લીધું છે.











