નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકો કપરાડાથી અલગ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોંગ્રેસ સંગઠનનું મજબૂત અને લોકશાહી પદ્ધતિથી નિર્માણ ન થતાં કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. નાનાપોંઢા તાલુકાના સક્રિય કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને એક સામૂહિક લેખિત રજૂઆત કરીને વર્તમાન તાલુકા પ્રમુખને બદલવાની તથા સંગઠનની પારદર્શક પુનઃરચના કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, વર્ષ 2019 થી કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત હરેશભાઈ જ નાનાપોંઢા અલગ થયા બાદ પણ પ્રમુખ તરીકે કાર્યરત છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી, જ્યારે જિલ્લા પંચાયતમાં ખાતું પણ ખુલ્યું નહોતું. વધુમાં, 20માંથી 2 બેઠકો પર તો પક્ષ ઉમેદવાર પણ ઊભા રાખી શક્યો નહોતો. તાલુકા પ્રમુખ અને તેમનાં પત્ની બંને ચૂંટણી લડતા હોવાથી સંગઠનાત્મક કામગીરી અને ઉમેદવારો સાથેના સંકલનનો અભાવ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

ગત 3 જી ઓક્ટોબરે મળેલી બેઠકનો ઉલ્લેખ કરતા કાર્યકર્તાઓએ જણાવ્યું કે, હોદ્દેદારોના નામો અંગે પૂરતી ચર્ચા કર્યા વિના અગાઉથી નક્કી કરેલા નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી. સંગઠનમાં તમામ જ્ઞાતિ-સમાજ અને વિસ્તારોના કાર્યકર્તાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. લાંબા સમયથી જમીની સ્તરે કામ કરતા નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ઉપેક્ષા કરીને માત્ર મર્યાદિત વ્યક્તિઓના વર્તુળમાં જ સંગઠનના હોદ્દાઓ સીમિત રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે.

કાર્યકર્તાઓની મુખ્ય માંગણીઓ: 1. વર્તમાન તાલુકા પ્રમુખના સ્થાને સક્રિય, સ્વીકાર્ય અને સૌને સાથે રાખીને ચાલનાર નવા પ્રમુખની નિમણૂક કરવી. 2. નાનાપોંઢા તાલુકા કોંગ્રેસ સમિતિની સંપૂર્ણ અને પારદર્શક પુનઃરચના કરવી. 3. નિમણૂકો અગાઉથી નક્કી કરવાને બદલે સ્થાનિક આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરીને લોકશાહી ઢબે નિર્ણય લેવો. 4. તમામ વિસ્તારો અને જ્ઞાતિ-સમાજના કાર્યકર્તાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું.

આ રજૂઆત કોઈ વ્યક્તિગત વિરોધ માટે નહીં, પરંતુ આગામી ચૂંટણીઓમાં પક્ષના સારા પ્રદર્શન અને નાનાપોંઢામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી કરવામાં આવી હોવાનું કાર્યકર્તાઓએ ઉમેર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here