નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. વલસાડ પારડીના બાલદા ગામની કંપનીમાંથી યુપીની સગીરાનું અપહરણ કરનાર આનંદ હીરાલાલ સરોજ નવસારી સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો.નવસારી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડ પારડીના બાલદા ગામની કંપનીમાંથી યુપીની સગીરાનું અપહરણ કરનાર આનંદ હીરાલાલ સરોજ નવસારી સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો.2 એપ્રિલે સવારે આરોપીને છાતીમાં દુખાવો થતાં તેને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાત્રે 1.30 વાગ્યાની આસપાસ પ્રિઝનર વોર્ડનો દરવાજો ખુલ્લો રહી જતાં આરોપીએ ભાગવાની તક ઝડપી લીધી હતી.
આરોપી ત્રીજા માળેથી પગથિયા મારફતે બીજા માળે પહોંચ્યો હતો. ત્યાંથી પહેલા માળે જઈને પાઈપ મારફતે નીચે ઉતર્યો હતો. સારવાર દરમિયાન તેના હાથમાં સોય લાગેલી હોવા છતાં તેણે તે કાઢી નાખી હતી. જેના કારણે જમીન પર લોહી પણ પડયું હતું.ફરાર થયેલા આરોપીની શોધખોળ માટે ડીવાયએસપી અને ટાઉન પીઆઈ સહિતની ટીમ કામે લાગી છે. ડોગ સ્ક્વોડની મદદથી સિવિલ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારી ટાઉન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.











