ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 45 વર્ષથી લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જીવાદોરી બની રહ્યો છે. GMDCની રાજપારડી ઉપરાંત રાજ્યભરમાં ઘણા બધા લિગ્નાઈટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડી ખાતે આવેલ લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે. લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતા પહેલા રાજપારડી માઇન્સમાં મોટું સ્લાઈડીંગ થયું હતુ.

Decision News ને મળેલી માહિતી અનુસાર તેને પહોંચી વળવા હાલ પૂરતું GMDC સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે, અથવા તો GMDCના જનરલ મેનેજર અમદાવાદની ઈચ્છાશક્તિ આ માઈન્સને શરૂ કરવાની ના હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા નવ માસથી GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતા તેના પર નભનારા મજુર, ડ્રાઇવર, ક્લીનર, ટ્રક માલિકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા છે. રોજનો હજારો ટન લીગ્નાઈટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતા સરકારને પણ સેંકડો કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે સરકારની તિજોરી પણ મોટો ફટકો પડી રહ્યો છે.

લિગ્નાઈટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ટ્રક માલિકો દ્વારા અવારનવાર રાજપારડી પ્રોજેક્ટ ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં છે. મુખ્યમંત્રી સુધી પણ રાજપારડી માઈન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી રાજપારડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી. ગતરોજ ઝઘડિયા તાલુકાના મિનેશ શાહ અતુલ શાહ અનિલસિંહ ગોહિલ મહેન્દ્ર પટેલ અમજદ મનસુરી સહિતના ટ્રક માલિકો રાજપારડી જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેષ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

રાજપારડી GMDC કચેરી ખાતે પહોંચેલા ટ્રક માલિકોને કચેરી ખાતે જણાવવામાં આવ્યું હતું કે અત્યારે લિગ્નાઇટ ઉત્પાદન થાય એમ નથી અને વહેલી તકે રાજપારડી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે આગળ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું. ત્યારે રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટના આવા જવાબથી ટ્રક માલિકોમાં પણ નિરાશા જન્મી હતી. જેમ બને તેમ ઝડપી નાઈટ ઉત્પાદન થાય તે માટે ટ્રક માલિકોનું એક મંડળ GMDC અમદાવાદ તથા રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોચવાના હોવાના અહેવાલ મળ્યા છે.