ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના આવેલા હરણગામ ગામના જેમસન ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ક્રિકેટ મેચ રમાઈ રહી હતી ત્યારે ચાલુ મેચે યુવાન ક્રિકેટરને છાતીમાં દુઃખાવો ઉપાડતા તે ઢળી પડયો હતો, અને બાદમાં સારવાર દરમિયાન મોત થઈ ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના હરણગામ ગામે આવેલા જેમસન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા નવસારી વલસાડ જિલ્લા પ્રજાપતિ સમાજ પ્રીમિયર લીગનું આયોજન હરણગામ સ્થિત જેમસન ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરાયું હતું. બપોર બાદ ધર્મેશભાઈ વલસાડની ટીમ અને અશોકભાઈ સોલધરાની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં ફિલ્ડીંગ બાદ ધર્મેશભાઈ વલસાડની ટીમની બેટિંગ હોય. તેમની ટીમના બોલર વલસાડ તાલુકાના પારડી કુંભારવાડ ખાતે રહેતા યજ્ઞેશભાઈ દામોદરભાઈ પ્રજાપતિ (ઉ.વ.આ -44) તેમના સાથી ખેલાડીઓ સાથે બેઠા હતા.

તે દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડવા સાથે તેઓ ઢળી પડયો હતા. તેમને તાત્કાલિક ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.યુવાનના આકસ્મિક મોતને લઈને હાલમાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે આજ કાલ હાર્ટ એટેકમાં યુવાનોનું મરણ થનાર કિસ્સાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે ત્યારે આ બાબતે આગેવાનોએ કશુંક નિર્ણયાત્મક પહેલા લેવા જરૂરી છે.