ઝઘડિયા: વિપુલ ખનિજ સંપતિ ધરાવતા ઝઘડિયા તાલુકામાં ખનિજ માફિયા બેફામ બન્યા ! રેતી સિલિકા બ્લેક સ્ટોન જેવી ખનિજોમાં પણ વ્યાપક ગેર રીતિઓ થતી હોવાની આશંકા ભૂસ્તર વિભાગે એક મશીન અને એક ટ્રક મળી કુલ રૂપિયા 65 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
ઝઘડિયાl તાલુકાને કુદરતે વિપુલ ખનિજ સંપતિની ભેટ આપી છે,ત્યારે તાલુકામાં રહેલી વિપુલ ખનિજ સંપતિનો ભરપુર લાભ લેવા લાંબા સમયથી ખનિજ માફિયાઓ સક્રિય બન્યા છે. ત્યારે ગતરોજ તા.15 મીના રોજ તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે તપાસ કરતા માટી ખોદકામની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઇ હતી. મળતી વિગતો મુજબ ભરૂચ ભૂસ્તર વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા હાથ ધરાયેલ આકસ્મિક ચેકિંગ દરમિયાન ઉચેડિયા ગામની સીમમાં સાદી માટી ખનિજ ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. ભૂસ્તર વિભાગે માટી ખનન સંદર્ભે કુલ ત્રણ ઇસમો કનૈયા ગુપ્તા નિશાદ મુળ રહે.ઉત્તરપ્રદેશ, સતિષ હિંમતભાઇ પટેલ રહે.ગામ બોરભાઠા તા.અંકલેશ્વર તેમજ દિવ્યેશ રમેશભાઈ વસાવા રહે. મુલદ તા.ઝઘડિયાના પાસેથી માટી ખોદકામમાં વપરાતું એસ્કેવેટર મશીન કિંમત રૂપિયા 45 લાખ અને માટી વહન કરતી એક ટ્રક કિંમત રૂપિયા 20 લાખ મળીને કુલ રૂપિયા 65 લાખનો મુદ્દામાલ કબ્જે લઇને ઝઘડિયા પોલીસ મથક ખાતે સોંપીને ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ચાલતા બેફામ ખનિજ ખનન બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સમયાંતરે સઘન તપાસ હાથ ધરવાની તાકીદની જરૂર જણાય છે. ભૂસ્તર વિભાગ દ્વારા તાલુકામાં રેતી, પત્થરો, સિલિકા, માટી ખનન જેવા ખનિજ ખનન બાબતે સઘન તપાસ હાથ ધરાયતો ઘણા ખનિજ માફિયા ઝડપાય તેવી સંભાવના રહેલી છે.

