ગુજરાત: રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે પી એમ પોષણ શકિત યોજનામાં વર્ષ 2025-26ના નાણાંકીય બજેટમાં રાજ્ય સરકાર મોટો ફેરફાર લાવી રહી છે. રાજ્યમાં કુલ 33 હજાર પ્રાથમિક શાળાઓ પૈકી 9 મહાનગરરોમાં ખાનગી સંસ્થાઓને મધ્યાહન ભોજન યોજના ચલાવવા આપ્યા પછી સરકાર હવે સેન્ટ્રલ કિચન યોજનાના નામે દરેક તાલુકામાં એક સેન્ટ્રલ કિચન યોજના લાગુ કરવા જઇ રહી છે. આ નિર્ણયથી 68 હજાર વિધવા મધ્યાહન ભોજન સંચાલક સહિત 87 હજાર કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર છે.
સેન્ટ્રલ કિચન યોજના આમ તો કેન્દ્ર સરકારની છે અને કેન્દ્ર સરકારે તેનો અમલ કરવાની તાકિદ કરી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે, સેન્ટ્રલ કિચન યોજના તેવા રાજયોને જ લાગુ પડશે જયાં રસોડા બનાવવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારનો મૂળ હેતુ જે રાજયોમાં રસોડા બનાવ્યા નથી તેવા રાજયોમાં ખાનગી એજન્સી મારફત મધ્યાહન ભોજન યોજના પુરું પાડવું તે માટે ગુજરાતમાં કુલ 33 હજાર શાળાઓ પૈકી અત્યારે 29 હજાર શાળાઓમાં મધ્યાહન ભોજન રાંધવામાં આવે છે. આમ છતા રાજય સરકારે દ્વારા ગત વર્ષ 2024-25ના બજેટમાં રૂ.એક કરોડ જેટલી રકમ ફાળવીને 26 તાલુકા આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા. આ 26 તાલુકામાં કેન્દ્રિય કિચન યોજના લાગુ કરવામાં આવી હતી.
આ યોજનામાં ખાનગી સંસ્થાઓ એક કિચન પર રસોઇ બનાવે છે અને પછી તાલુકામાં સમાવિષ્ટ શાળાઓમાં મધ્યાહન ભોજન વાહન દ્વારા પુરુ પાડે છે. હવે આ યોજનાને આગળ વધારતા રાજય સરકાર વર્ષ 2025-26ના બજેટમાં 248 તાલુકામાં સેન્ટ્રલ કિચન કરવા જઇ રહી હોવાનું શૈક્ષણિક સુત્રોનું કહેવું છે. જેના પરિણામે દરેક તાલુકામાં સેન્ટ્રલ કિચન થશે એટલે શાળાઓમાં ચાલતા રસોડાઓ બંધ થશે. મધ્યાન્હ ભોજનનું 1600 કરોડનું, મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનું 600 કરોડનું બજેટ રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાનું 1600 કરોડનું બજેટ છે.ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાનું રૂ. 600 કરોડનું બજેટ છે.
દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ અપાય છે. અઠવાડિયામાં એક વખત બાળકોને સુખડી અપાય છે. આ બંન્ને યોજના કુપોષણ દૂર કરવા માટે છે. ખાનગી એજન્સીઓને યોજના પધરાવી દેવામાં આવે એટલે 87 હજાર કર્મચારીઓ બેરોજગાર બને તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. હાલ દરેક શાળામાં રસોડું, રસોઈના સાધનો સહિત 3 કર્મચારીઓની નિમણુંક પણ કરાઈ છે મધ્યાહન ભોજન માટે શાળાઓમાં રસોડું હોય છે. જેના માટે 4500ના પગારદારે એક સંચાલન રૂ. 3750નો પગારે રસોઇયો અને 1500ના પગારે એક હેલ્પર રાખવામાં આવે છે. અત્યારે 87 હજાર કર્મચારી પૈકી 68 હજાર વિધવા બહેનોની નોકરી જશે તેવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

