નવસારી: નવસારીના જલાલપોર વિસ્તારમાં લીમડાચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12થી 14 વર્ષના બે સગીર બાળકો પૂર ઝડપે મોપેડ ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની મોપેડ સ્લીપ થઈ ગઈ. સદનસીબે, સામેથી આવી રહેલા બે બાઇક ચાલકો સાથે અકસ્માત થતો બચી ગયો.
Decision News ને મળેલી જાણકારી મુજબ બાળકોને હાથની કોણી અને કમર પર સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જાગૃત નાગરિક નીતિન માલવિયાએ બંને બાળકોને તેમના ઘરે પહોંચાડ્યા અને વાલીઓને સમજાવ્યું કે નાની ઉંમરના બાળકોને વાહન ન આપવું જોઈએ.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ, સ્થાનિક રહીશોએ વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના સગીર બાળકોને વાહન ન આપે. આ ઘટના માતા-પિતા માટે એક ચેતવણીરૂપ બની રહી છે, કારણ કે જો સામેથી કોઈ મોટું વાહન આવ્યું હોત તો પરિણામ વધુ ગંભીર હોઈ શકતું હતું.