ધરમપુર: આજરોજ ધરમપુર શહેરમાં આવેલ ગાંધી બાગ ખાતે 2 ઓકટોબર ગાંધી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ‘એવોર્ડ અને સન્માન સમારોહ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગો, કાર્યો, વિચારોને વાચા આપતા પોસ્ટર અને ગાંધીજીને પ્રિય રેંટિયાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ધરમપુરના ગાંધીબાગમાં થયેલ ગાંધી જયંતિની ઉજવણીમાં સ્વચ્છતા વોર્ડ સ્પર્ધા, વેસ્ટ ટુ બેસ્ટ, રંગોળી, કરાટે ચેમ્પિયન, વકૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત તેમજ શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા કર્મચારીની પસંદગી કરીને તેઓને માસિક ધોરણે એવોર્ડ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારી તરીકે નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂ! 10,000/- નો ચેક અર્પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં અંતર્ગત પ.પૂ. શ્રી શરદભાઈ વ્યાસ, ધરમપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી હેમંતભાઈ કંસારા, શ્રી પ્રણવભાઈ શીંધે, એકતા પરિષદના આગેવાન કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ ગરાસિયા ધરમપુર તાલુકા પ્રાંત સાહેબશ્રી, ચીફ ઓફિસરશ્રી, નગરના હોદેદારો, આગેવાનો, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ, શાળાના વિધાર્થીઓ, શિક્ષકગણો, શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટીઓ, NCC ના વિધાર્થીઓ, લાઇબ્રેરીના વાચકો, લાયન્સ ક્લબના મેમ્બરો, સાઇન્સ સેન્ટરના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આંટી પહેરાવીને ગાંધીજીનું સ્મરણ કરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ તમામ લોકો “શ્રમદાન મહાદાન” મહાસફાઇ અભિયાનમાં જોડાયા હતા.