ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સિયાદા ગામમાં બોગસ ડોકટર લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા ક્લિનિક પર જઈને રેડ કરતાં ડોકટર દર્દીઓને ચકાસીને તેમને દવા આપતો હોવાની હકીકત સામે આવતા તેની ધરપકડ કરીને દવા કબ્જે કરી છે.

નવસારી SOG પી. આઈ વી.જે જાડેજા દ્વારા હેડ કોન્સ્ટેબલ સંતોષ સુનીલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ દિનેશભાઈને સૂચના આપવામાં આવી હતી કે, ચીખલીના સિયાદા ગામે પ્રમુખ નગર પાસે શ્રીજી ક્લિનિકમાં છેલ્લા 5 વર્ષથી સરકાર માન્ય રજીસ્ટ્રેશન અને ડિગ્રી વગર ડોકટર પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેના આધારે રેડ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી આરોપી નયન સુભાષભાઈ પાટીલ દર્દીઓની સારવાર કરતાં રંગે હાથ ઝડપાયો હતો. દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તથા ડોકટરે પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળી કુલ 35,819ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ખેરગામ પોલીસ મથકમાં આઈપીસી કલમ 336 તથા ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ 30,35 મુજબ રજીસ્ટર કરીને વધુ તપાસ ખેરગામ પોલીસને સોંપવામાં આવી છે.

આદિવાસી પથંકમાં લોકો ઝોલાછાપ ડોકટરો પાસે મોટાભાગે ઈલાજ કરાવવા જતાં હોય છે. ડોકટર દ્વારા ઇલાજમાં જો ભૂલ થાય તો તેનો ભોગ આવા દર્દીઓ બનતા હોય છે જેને કારણે કોઈક વાર આજીવન ખોડખાંપણ કે મોત થવાના બનાવો પણ પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાયા છે.