નવસારી: આજરોજ પટેલ વાડી, તીઘરા, નવસારી ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજીત સુકન્યા સમૃધ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાનો ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે. કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી.તે સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરકારે પી.એમ.સ્વનિધી યોજના શરૂ કરાવી ને નાના ધંધા રોજગાર કરનારાઓને રૂ.૧૦ હજાર કે રૂ.૨૦ હજારની મૂડી રોજગારી વિષયક પ્રવૃત્તિઓ શરૂ કરવા ખૂબ સરળતા થી ઉપલબ્ધ કરાવી હતી.

સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વર્ષો પહેલા સમાજમાં દીકરીના જન્મ વખતે જે ભાવ હતો તે ભાવ આજે સમગ્ર ભારતવર્ષમાં સંપૂર્ણ બદલાયો છે અને જેનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગવી દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૧૫ માં સુકન્યા સમૃધ્ધિ યોજનાનો આરંભ કર્યો જેનો ઉદ્દેશ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં તેમને આગવું સ્થાન પ્રાપ્ત કરાવવાનો છે.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે દીકરીઓને સુકન્યા સમૃધ્ધિ ખાતાની પાસબુક વિતરણ કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો હતો તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને ટીબી મુકત ભારત અભિયાન અંગેની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે શાબ્દિક સ્વાગત કર્યુ હતું તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજશ્રી ટંડેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, નગરપાલિકા પ્રમુખશ્રી જીગીશભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, પુર્વ ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, અગ્રણીશ્રી પ્રેમચંદભાઇ લાલવાણી સહિતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bookmark Now (0)