વલસાડ: ગતરોજ વલસાડના અટકપારડી ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માટે પીએમ પોષણ યોજના કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અટક પારડી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની ઉપસ્થિતિમાં મીલેટ એટલે કે જાડા ધાન્ય/બાજરીથી બનેલી વાનગીઓની જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ યોજાયેલ કુકિંગ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર ૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં સ્પર્ધકોએ બાજરી, નાગલીના રોટલા, નાગલી, જુવાર અને બાજરીના મુઠીયા, ઢોકળાં, કટલેસ, ટીક્કી, બાજરીની ખિચડી, અડદનું ભૂજીયું, વડી અને રાંધિયું જેવા શાક, બાજરીના લાડવા, નાગલીની સુખડી જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. દરેક વાનગીને કલેક્ટરશ્રીએ ટેસ્ટ કરી હતી અને વખાણ કર્યા હતા તેમજ આ દરેક વાનગીઓનું શાળાઓના મધ્યાહન ભોજનમાં અને રોજબરોજના ભોજનમાં ઉપયોગ કરી પોષણયુક્ત ભોજન લઈ શકાય એમ જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ દરેક વિજેતાઓને અને તમામ સ્પર્ધકોને નવીનતાપૂર્વક જાડા ધાન્યમાંથી વાનગીઓ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સ્પર્ધામાં વલસાડ તાલુકાના કોસંબા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી સંભાળતા નીતાબેન સીંગાડિયાએ બાજરીની ખીચડી બનાવી હતી જે વાનગીના દરેક માપદંડોમાં ખરી ઉતરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમજ ઉમરગામ તાલુકાના યોગીતાબેન બારીએ નાગલીની સુખડી બનાવી દ્વિતિય સ્થાન અને ઉમરગામના જ દીપીકાબેન પટેલે બાજરીના ઝમઝમીયા અને તવા ઢોકળા બાનાવી તૃતીય સ્થાન મેળવ્યું હતું. દરેક વિજેતાને પ્રમાણપત્ર તેમજ પ્રથમ વિજેતાને રૂ. ૧૦ હજાર, દ્વિતીય વિજેતાને રૂ. ૫૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ.૩૦૦૦ ઇનામ આપવામાં આવ્યું હતું જે સીધા જ એમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. દરેક સ્પર્ધકોને ભાગીદારીનું પ્રમાણપત્ર અને રૂ.૫૦૦નું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટરશ્રી કાજલ ગામિત, વલસાડ સિટી મામલદાર શ્રીમતી કલ્પનાબેન ચૌધરી, આઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ અધિકારી નીલમબેન પટેલ, આઈસીડીએસના સુપરવાઈઝર બાવિષાબેન પટેલ, શાળાના આચાર્ચા શ્રીમતી રિતુબેન પટેલ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bookmark Now (0)