કપરાડા: એ.એસ.પી. ડો. સંદીપ ટી (આઈ.પી.એસ.)ની અધ્યક્ષતામાં કપરાડા ખાતે પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી.
દરબારમાં કુભઘાટ વિસ્તારમાં વધુ સ્પીડ બ્રેકર્સ (બમ્પર) નાખવા, ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા, આંતરિક મુખ્ય માર્ગો પર બમ્પર બનાવવા, સી.એચ.સી.માં સ્વીપરની ખામી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. વાહન ચોરી અને કેબલ ચોરીની સમસ્યાઓ પણ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે એ.એસ.પી. ડો. સંદીપ ટીએ જણાવ્યું કે, સરહદી વિસ્તારના ગામ સુથાર પાડા ખાતે નવી પોલીસ પોસ્ટ સ્થાપિત કરવામાં આવશે. તેમજ હેદલ બારી ખાતે અદ્યતન પોલીસ પોસ્ટ ઊભી કરવામાં આવશે. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે આગેવાનોને સૂચન પણ કર્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ ડો. સંદીપ ટીએ વધુમાં આશ્વાસન આપ્યું કે, વાહન ચોરી, કેબલ ચોરી, બમ્પર નાખવા સહિતની તમામ રજૂઆતોનો આવનારા સમયમાં યોગ્ય નિવારણ લાવવામાં આવશે અને કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે. આ લોક દરબારમાં સ્થાનિક લોકોમાં પોલીસ વિભાગ પ્રત્યેનો વિશ્વાસ વધે તેવો માહોલ જોવા મળ્યો હતો.











