ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાનાં પૈલાડી ભૈરવીનાં રહેવાસી ગીરીશભાઈ પટેલ અને શારદાબેન પટેલ અને કમલ પટેલ-નિરાલી પટેલ દ્વારા આદિવાસી પરંપરાની જાળવણી કરવા કંસેરી પૂજાનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં મહિલા ભગત દ્વારા પણ કંસેરી માતાની પૂજાવિધિ કરવામાં આવી હતી.

જુઓ વિડીયો…

Decision News ને મળેલી માહિતી મુજબ પૂજાવિધિમાં કંસેરી માતાના વિવિધ કિસ્સાઓ અને પરચાઓ શ્રોતાઓને સંભળાવવામાં આવેલ.આ પ્રસંગે ખેરગામના જાણીતા સામાજિક આગેવાન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, મિન્ટેશ પટેલ, ઉમેશ પટેલ, કાર્તિક પટેલ, પથીક પટેલ, કેતન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે આધુનિકીકરણની આંધળી દોડમાં શહેરનો માનવ હવે રેસનો ઘોડ઼ો બની ચુક્યો છે અને માનવતાનાં મૂલ્યો ધીરે ઓછા થવા લાગ્યા છે ત્યારે આદિવાસી સંસ્કૃતિને વિસરાતી જતી અટકાવવાનો ગ્રામજનો દ્વારા આ સરાહનીય પ્રયાસ છે. કંસેરી એટલે કે કણશેરી મતલબ ધરતી માતાને અનાજનો એક દાણો આપ્યે તો એના બદલામાં એક શેર અનાજ પરત આપે છે. એ ઉપકારનું અહેસાન માનવા જ કંસેરીનો તહેવાર ઉજવાય છે જેમાં ભગતો ધરતી માતા અને અનાજની આખી રાત પૂજા કરે છે અને તમામ ગ્રામજનો તથા યજમાનના અનેક સગાસંબંધીઓ ભેગા મળી આનંદ માણે છે.