વિસાવદર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને હજૂ તો 3 દિવસ પણ નથી થયા ત્યાં AAPના નેતા ભાજપમાં જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની ગાંધીનગર મુલાકાત બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા હોવાની વાતો વહેતી થતાં રાજકરણ ગરમાયુ છે. ત્યારે ભાજપમાં જોડ્યા તેવી ચર્ચાઓ વચ્ચે હવે ભાયાણી મીડિયા સમક્ષ આવ્યા છે.
ભાયાણીએ સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમના ભાજપમાં સામેલ થવાની વાતોને અફવા ગણાવી હતી. પરંતુ આ વાતચીતમાં તેમણે કહ્યું કે, તેમને સી આર પાટીલે શુભકામનાઓ પાઠવી હતી, વડાપ્રધાને પણ શુભકામનાઓ પાઠવી છે, એવી પોતે ‘ભાજપના પરિવારના સભ્ય’ હોવાનું, ‘વડા પ્રધાન મોદી માટે ગૌરવ અનુભવતા’ હોવાનું અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ‘અંગત સંબંધો’ હોવાની વાત સ્વીકારી, ભાજપ પ્રત્યે ‘ઝોક’ના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ અણબનાવ નથી. હું મારા કાર્યકરો અને મારા મતવિસ્તારની જનતા સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશ. હજુ સુધી મેં ભાજપમાં સામેલ થવાનું નથી વિચાર્યું. પરંતુ હું મારા મતવિસ્તારના ખેડૂતો માટે કામ કરી શકું તેને કેન્દ્રમાં રાખીને આગળનો નિર્ણય કરીશ. શું ભાજપ સામે કોઈ પક્ષમાં ટકી રહેવુ અઘરું છે? કારણ ગમે તે હોય પણ જે કોંગ્રેસમાં ચાલતુ હતુ તે હવે શું AAPમાં પણ ચાલશે.?











