નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે જ્યારે બીજી તરફ પક્ષમાં ટિકિટ વહેંચણીને લઈને નેતાઓમાં નારાજગી પણ જોવા મળતી હોઇ છે, આવું જ કઈ બન્યું છે નર્મદા જિલ્લામાં, બીજેપીએ 160 ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી પણ સામે આવવા લાગી છે. નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો. દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યાં બાદ નાંદોદ વિધાનસભાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જુઓ વિડીયો…

નાંદોદ વિધાનસભાનાં ત્રણ તાલુકા નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ જાહેર કરેલા ઉમેદવારનો વિરોધ કર્યા બાદ ઉમેદવાર બદલવાની માંગ કરી હતી પરંતુ કોઈ નિર્ણય ન લેતા આંખરે પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આપને જણાવી દઇએ કે, અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હર્ષદ વસાવા પૂર્વ સંસદીય સચિવ, બે વાર ધારાસભ્ય તરિકે ચૂંટાયા હતા અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી, તેઓ ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચાના પ્રમુખ પદે હતા અને રાષ્ટ્રિય આદિજાતી આયોગના સભ્ય તરીકે પણ સફળ કામગિરી બજાવી હોય અને હર્ષદ વસાવા ટિકીટ મળશે એવું આશા પક્ષ પાસે રાખતા હતા પરંતુ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભામાં જૂથવાદનો ભોગ બન્યા હોઇ તેવું ચર્ચાઈ રહ્યું છે. અને આજે હર્ષદ વસાવા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી નોંધાવવા તેમની સાથે પુર્વ નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, મહીલા આગેવાન ભારતીબેન તડવી, જીલ્લા પંચાયતના સદસ્ય કિરણ વસાવા, સહિતનાં આગેવાનો, ગ્રામ પંચાયતોના સરપંચો, સહિત હજારોની સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

મહત્વનું છે કે, નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ વસાવાને ટિકિટ આપી છે, ડૉ. પ્રફુલ વસાવા કેવડીયા વિસ્તારના અસરગ્રસ્તો માટે લડત ચલાવનાર મજબૂત યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે અને તેઓ ટક્કર આપશે એવી પણ લોક ચર્ચા થઈ રહી છે. જ્યારે કોંગ્રેસ પણ યુવા ચહેરો હરેશભાઈ વસાવાને નાંદોદ વિધાનસભા પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અને ભાજપે મહિલા આગેવાન ડો. દર્શનાબેન દેશમુખને ટિકિટ આપતા જ ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે, ભાજપના કાર્યકર્તાઓ નારાજ થઈ જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને હર્ષદ વસાવાને ટિકિટ આપવાની માગ કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં ભાજપ સાથે છેડો ફાડી પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા તેમનાં ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમા ઝુકાવ્યું છે, હવે જોવાનું એ રહ્યુ કે આગમી સમયમાં આની કેટલી અસર થશે, પરંતુ એક વાત નક્કી છે કે હર્ષદ વસાવાની અપક્ષ ઉમેદવારી થી ભાજપના પગ તળે થી જમીન સરકી જશે, હર્ષદ વસાવાની અપક્ષ ઉમેદવારી થી ભાજપના જ મત તૂટશે જેથી અન્ય પક્ષો માટે ચૂંટણી જીતવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો હોઇ તેવું પણ લોક મુખે ચર્ચાય રહ્યું છે.