ધરમપુર: ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ અને કોઈ પર દિલથી મુકેલા વિશ્વાસ કામયાબી પર મળતી તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે એજ વાક્યને સાર્થક કરતો કિસ્સો આજે ધરમપુરની કરંજવેરી પ્રાથમિક શાળામાંથી પાર્વતી નામની વિદ્યાર્થીનીનો સામે આવ્યો છે

Decision Newsને સાથે વાત કરતાં પ્રાથમિક શાળાના આચાર્ય અજયભાઈ ઠાકોર જણાવે છે કે લગભગ 5 વર્ષ પહેલા વહેલી સવારે અંધજન હોસ્ટેલમાંથી ગૃહપતિ રવીન્દ્ર મને આવીને કહે કે એડમિશન જોઈએ છે..મે નજર ઉચી કરી જોયું તો જોડે 8-9 વર્ષની ઉંમરની ક્યારેય શાળાએ નહિ ગયેલ દિવ્ય અંગ વાળી એક દીકરી ઊભી હતી. મે કહ્યુ, “તારે ભણવું છે ને”.. તો તરત સામો જવાબ મળ્યો કે, ” નાં”.. મે કહ્યુ,”તો શું કરીશ?” સામો જવાબ,”હું બકરી ચરાવીશ”.. મને થયું કે કદાચ આ દીકરી નહિ ટકશે.. પરંતુ લાગણી બાજુએ મૂકી ફરજ પાલન કરવા માટે RTE ACT મુજબ વય મર્યાદા અનુસાર એને ધોરણ 3 માં પ્રવેશ આપ્યો..

શરૂઆતમાં મેઈન સ્ટ્રીમમાં લાવવા માટે શિક્ષકોએ એને અપાર પ્રેમ અને હૂંફ આપવાનું શરુ કર્યું. આવતા જતા બધા પૂછે,” પાર્વતી કેમ છે? મઝામાં ને”. આ જોઈ વર્ગની અન્ય બાળાઓ પણ પ્રેરાઈ અને ત્યાંથી સંકલિત શિક્ષણની શરૂઆત થઈ.. પાર્વતીની નિયમિતતા, શિક્ષકોની હૂંફ અને એની સખીઓનો સંગાથ કામ કરી ગયો..અને જોત જોતામાં તો એ ધોરણ 8 માં આવી ગઈ. આજે હું ક્યારેક હસતા હસતા પૂછું કે, “પાર્વતી, બકરી નું શું થશે?” ત્યારે એનું સ્મૃતિ યુક્ત સ્મિત જોઈને મન ગૌરવભેર ગદગદિત થઈ જાય છે. ખરેખર ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ અને કોઈ પર દિલથી મુકેલા વિશ્વાસ કામયાબી પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે