વલસાડ: પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળા ખાતે જિલ્‍લા કક્ષાનો 73મો વન મહોત્‍સવમાં રાજયના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી નરેશભાઇ પટેલ વલસાડ સાંસદ ડો.. કે. સી. પટેલ, ઉમરગામ અને ધરમપુરના ધારાસભ્‍યો સર્વશ્રી રમણલાલ પાટકર અને અરવિંદ પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીતલબેન પટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

મંત્રીશ્રીએ આ અવસરે રોહિણા આશ્રમશાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી જણાવ્‍યું હતું કે, રાજયના પનોતા પુત્ર સ્‍વ. શ્રી કનૈયાલાલ મુનશીએ ગુજરાતને હરિયાળું બનાવવા તેમજ જંગલ વિસ્‍તારનું ક્ષેત્રફળ વધે તે માટે વર્ષ ૧૯૫૦ થી રાજયમાં વન મહોત્‍સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું હતુ઼. તે મુજબ દર વર્ષે ગાંધીનગર ખાતે આ વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવતી હતી. તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વન મહોત્‍સવ ગાંધીનગરની જગ્‍યાએ રાજયના દરેક જિલ્‍લામાં ઉજવવાનું નક્કી કરેલ હતુ઼ તે મુજબ આ વર્ષનો વલસાડ જિલ્લાનો 73 મો વન મહોત્‍સવ જિલ્‍લાના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા યોજાયો છે. નવી પેઢીને વૃક્ષોનું મહત્‍વ સમજાય અને વધુ વૃક્ષો વાવે અને તેનુ જતન કરી પર્યાવરણ સંરક્ષણ કરે તે આજના સમયની તાતી જરૂરયિાત છે એમ મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે વલસાડ સાંસદ ર્ડા. કે. સી. પટેલ, ઉમરગામ અને ધરમપુરના ધારાસભ્‍યો સર્વશ્રી રમણલાલ પાટકર અને અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં રોહિણા આશ્રમશાળા તેમજ આઇ. સી. દેસાઇ સાર્વજનિક હાઇસ્‍કૂલ દ્વારા પ્રકૃતિ નાટક, આદિવાસી નૃત્‍ય તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં આભાર વિધિ સામાજીક વનીકરણ વિભાગના મદદનીશ વનસંરક્ષક શ્રીમતી જીનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર તેમજ વન વિભાગના કર્મચારીઓ તેમજ ગામ્‍યજનો હાજર રહયા હતા.