ખેરગામ: સરસિયા ખાતે આવેલી ખેરગામ કોલેજમાં પ્રોફેસર ડો.સંજયભાઈ એમ.પટેલના યજમાન પદે પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને ડો. દિવ્યાંગી નિરવ પટેલ અને એમની ટીમના સભ્યો વાડ રૂઢિગ્રામ ઉપાધ્યક્ષ મિન્ટેશ પટેલ, કાર્તિક, મયુર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડો.નિરવ ભુલાભાઇ પટેલે અને દિવ્યાંગી નિરવ પટેલ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે વર્ષોથી આદિવાસી સમાજ કચડાયેલો, વંચિત, અશિક્ષિત રહેવાને વિસ્થાપન, વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા જેવા અનેક પડકારોનો સામનો કરી રહેલ છે. પ્રકૃતિપૂજક અને માતૃપ્રધાન રહેલા આદિવાસી સમાજને સદીઓ જૂની સુંદર પરંપરા રીતરિવાજો જાળવી રાખી મુખ્યધારામાં લાવવો એ જવાબદારી અમારા જેવા ભણેલાગણેલા યુવાઓની છે. કારણકે એક મજબૂત સમાજ જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. પોતાના વક્તવ્યમાં ડો. નિરવ પટેલે આદિવાસી સમાજના દેવ-દેવીઓ, ભવ્ય ઇતિહાસ, અદ્વિતીય સાંસ્કૃતિક વારસા અને દરેકને પોતાના આદિવાસી હોવા પર કેમ ગર્વ હોવો જોઈએ તેમજ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલ લોકપયોગી કાર્યોની સૂચિ સહિત વિવિધ બાબતોમાં કોલેજના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં.
કાર્યક્રમના અંતે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અંકુરભાઈ શુક્લ દ્વારા ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું અને દેશની આન-બાન-શાન એવા રાષ્ટ્રધ્વજની જોશભેર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં અને વાતાવરણ દેશ ભક્તિમય બનાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. ખુમરાજ મહેતાએ સરળ અને મનોરંજક આદિવાસી ભાષામાં કરી હાસ્યની ઝોળો ઉછાળી હતી.