અમરેલી: અમરેલીના ખજૂરી પીપળિયા ગામના એક યુવાનનો યુવતી દ્વારા સોશિયલ મીડિયામાં બીભત્સ વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવાનો પ્રયાસ થતાં અને વારંવાર વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાતાં આ યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર આ કેસમાં પોલીસ દ્વારા આ બારામા અનુ સિંધી નામની યુવતી તથા એક અજાણ્યા મોબાઇલધારક સામે ગુનો નોંધ્યો છે. ખજૂરી પીપળિયા ગામના જગદીશ ભીખાભાઇ પરમાર (ઉં.વ.38)એે 23મી તારીખે પોતાની વાડીએ જઇ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક જગદીશે ડાયરીના બે પેજમાં લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને એક છોકરી બ્લેકમેઈલ કરે છે, જેનું નામ અનુ સિંધી છે અને મારો ઓપન વીડિયો અપલોડ કરે છે, જેને કારણે હું મરી જાઉં છું. આ યુવકના સોશિયલ મીડિયાની ચેટ ચેક કરાતાં એક મોબાઇલ નંબર પરથી તેનો નગ્ન વીડિયો વાઇરલ કરવાનો મેસેજ કરાયો હતો અને પૈસે કબ ભેજ રહે હો, પેમેન્ટ કા કયાં હુઆ, વીડિયો ડિલિટ કર દુ યા અપલોડ કર દુ જેવા મેસેજ કરાયેલા હતા.

મૃતક જગદીશે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટમાં બે મોબાઇલ નંબર લખ્યા હતા, જેના પરથી કોલ તથા ચેટ કરી તેને બ્લેકમેઇલ કરનારાઓની પોલીસ તપાસ કરશે અને સમગ્ર નેટવર્કનો ભેદ ખોલવામાં સફળતા મેળવી શકે છે. આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકો બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. વળી, આવું નેટવર્ક દેશના અલગ રાજયોમાંથી ચલાવાતું હોવાથી પોલીસને ત્યાં પહોંચવું મુશ્કેલ બનતું હોય છે.