સુરત: ગતરોજ વલસાડ અને ડાંગના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સુરત મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSIઅને તેના મળતિયા વકીલને રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપી પાડી બન્નેની અટકાયત કરી તેમના વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

News18માં છપાયેલા અહેવાલ મુજબ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા આવેલી મહિલા પાસેથી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI કમળાબેન રણજીતભાઇ ગામીત અને એડવોકેટ પંકજ રમેશ માકોડેએ ગુનો દાખલ કરવા માટે રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી. મહિલા લાંચ આપવા માંગતી ન હોવાથી તેમણે ACBમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડના ACB PI ડી એમ વસાવા અને કે.આર. સક્સેના સહિતના એસીબીના સ્ટાફે સુરત મહિલા પોલીસ સ્ટેશનની બહાર છટકુ ગોઠવ્યું હતું. તેમજ ફરિયાદી મહિલા પાસેથી એડવોકેટ પંકજ રમેશ માકોડે રૂપિયા 10 હજારની લાંચ સ્વિકારી હતી.

આ સમયે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને એડવોકેટ પંકજ માકોડે અને મહિલા પીએસઆઇ કમળાબેન રણજીત ગામીતને રૂપિયા 10 હજારની લાંચ લેવાના કેસમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓએ સ્વિકારેલી રૂપિયા 10 હજારની ચલણી નોટો સહિતનો મુદામાલ કબજે કર્યો છે અને બન્ને આરોપીની અટકાયત કરી છે. આ ઘટના સમયે સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ ઉપસ્થિત હતા.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Decision News ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો