ચીખલી: ચીખલી તાલુકાના સમરોલી ગામમાં ગેરકાયદેસર બાંધકામ અંગે ટીડીઓને હુકમને માન્ય નહીં રાખનાર સરપંચ મંગુભાઇ તળાવીયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સરપંચ પદભ્રષ્ટ થતા હવે સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને આપવામાં આવ્યો છે.

Decision Newsને મળતી માહિતી મુજબ સમરોલીમાં બ્લોક નં:૧૦૬ પૈકી ૨૬ પૈકી ૨ વાળી બિનખેતીની જમીનમાં રિવાઇઝ પરવાનગી મેળવ્યા સિવાય પાંચ માળનું એપાર્ટમેન્ટનું બાંધકામ કરવામાં આવ્યું હતું. શરતભંગ થતો હોવા છતાં ગ્રામ પંચાયતની ૧૦/૧૦/૨૦૧૮ની સામાન્ય સભામાં ફ્લેટોની આકરણીના ઠરાવની બજવણી મોકૂફ રાખવા માટે આયોજન સહ ટીડીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. ઉપલી પંચાયતના હુકમની ધરાર અવગણના કરીને આજ બ્લોકમાં બનાવવામાં આવેલ બીજા એપાર્ટમેન્ટની આકરણી પણ ઠરાવ નં:૧૦૯ તા.૨૫/૧૧/૨૦૧૯ થી કરી ઉક્ત પ્રતિષેધ કરેલ ઠરાવના અમલીકરણ પણ પંચાયત દ્વારા અટકાવવામાં આવી ન હતી.

TDOના હુકમની અવગણના કરી શરતભંગ થતો હોવા છતાં મિલકતની આકરણી કરી સત્તાનો દુરુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બાંધકામના કાર્યને પ્રોત્સાહન આપવાનું કૃત્ય કરી પોતાની ફરજો બજાવવામાં દુવર્તન કર્યું હતું. સરપંચ તરીકેની ફરજ બજાવવામાં કસૂર હોવાનું સાબિત થતા હવે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર દ્વારા સરપંચ મંગુભાઇ તળાવીયાને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની જોગવાઈનો ઉપયોગ કરી સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ડીડીઓના હુકમના તાત્કાલિક અમલ માટે પીઓકમ TDO હિરેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાયબ TDO બી. જી. સોલંકીએ ગ્રામ પંચાયત કચેરી સમરોલીએ પહોંચી ડેપ્યુટી સરપંચ અમિતભાઇ પટેલને સરપંચનો વિધિવત રીતે ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here