વાંસદા: છેલ્લા બે દિવસથી વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો જેમ કે ડાંગર, શેરડી કેળા, કેરી વગેરેમાં જે નુકશાન થયું છે એના માટે સરકાર આ ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડે એ અંતર્ગત ગતરોજ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે વાંસદા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું.

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે તૌકતે વાવાઝોડાના કારણે મારા વિસ્તારના ખેતી પર નભતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. એઓનો કેરીનો પાક, આંબા કલમો, ચીકુનો પાક, ડાંગરનો ઉનાળુ પાક તથા શેરડીના ખેતરોને ખૂબ જ મોટા પાયે નુકશાન થયું હોવાથી આવા ખેડૂતોના નુકશાનનો તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને એઓને વળતર તેમજ સહાય ચૂકવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને પગલે વાંસદા, ચીખલી, ખેરગામના અંતરિયાળ વિસ્તારોમાં ખેતીવાડી પર નભતા ખેડૂતોનું આર્થિક નુકશાન છે. કોરોનાની મહામારીમાં સ્વૈચ્છિક બંધ અંતર્ગત બજારો, હાટબજારો બંધ હોવાના કારણે નાના ખેડૂતો, ખેત પેદાશો વેચી શકતા નથી. દર વર્ષે કેરીનો મબલખ પાક લેતા ખેડૂતો વાવાઝોડાને કારણે 80% જેટલી કેરીઓ, બાગાયતી ચીકુઓ પડી જતા નુકશાન થયાનું જણાવે છે.