નવસારી: વાંસદા તાલુકાનાં ચોરવણી ગામમાં આવેલાં પીલવા ડુંગર નવસારી જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. આ ડુંગર પર પિંઢારા દેવનું સ્થાનક આવેલું છે જે પિંઢારા દેવ આદિવાસી સમાજ માટે આસ્થાનું પ્રતીક છે. જો આ ડુંગર પર માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવે તો આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરી શકાય એમ છે.

ઉલ્લેખનીય છે કે આ ડુંગર પર પિંઢારા દેવ ઉપરાંત એક કુંડ અને ગુફા પણ આવેલ છે.અહીં દેવ દિવાળીનાં દિવસે મેળો ભરાય છે. પીલવા ડુંગર પર પાયાની સુવિધાઓ જેવી કે પાણી રોડ રસ્તા બાબતે વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પાડવી દ્વારા વાંસદાના તાલુકા વિકાસ અધિકારી TDO રજૂઆત કરવામાં આવી છે.

Decision News સાથે આ મુદ્દે વાત કરતા ગંગાબેન પાડવીએ જણાવ્યું હતું કે અહીં પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવે તો શ્રધ્ધાળુઓ આસાનીથી આ ડુંગર પર પહોંચી શકશે. તથા પાણીની સગવડ ઊભી કરવામાં આવે તો આ પાણીનો ઉપયોગ વન્ય પ્રાણીઓ તથા શ્રધ્ધાળુઓ પણ ઉપયોગ કરી શકશે. માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે તો આદિવાસી વારસા અને સંસ્કૃતિ સમાન આ ડુંગર અને પિંઢારા દેવનું સ્થાનકનું જતન પણ થઈ શકશે. અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન થઈ શકશે.