દક્ષિણ ગુજરાત: સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો તખ્તો ગોઠવાતાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોમાં વોર્ડ દીઠ વિવાદો, ઓછા મતની હારજીત અને બહુપાંખિયા જંગની બની રહેનારી ચૂંટણીમાં કોરોનાનો ભય પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન કોરોના સંદર્ભે કડક નિયમો અમલમાં છે પરંતુ પ્રચાર દરમિયાન અમલવારી ભાગ્યે જ જોવા મળે છે. સભા-સરઘસ દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાંં ન મુકાય તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. પોલીસ બંદોબસ્ત હેઠળ જ કોઈપણ રાજકીય પક્ષના પ્રચાર દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનો ભંગ કરવામાં આવે ત્યારે એવું થાય છે કે નિયમો માત્ર કાગળ ઉપર રહી જવા પામ્યાં છે.
કોરોનાના ભય વચ્ચે ચૂંટણી પ્રચાર અને મતદાનની ગાઈડલાઈન અનુસાર ચૂંટણી સભા અને સરઘસમાં સોશિયલ ડીસ્ટન્સની જાળવણી, માસ્ક પહેરવા ફરજીયાત હોવા ઉપરાંત નિશ્ચિત સંખ્યામાં જ લોકોની હાજરી સહિતના નિયમો અમલમાં છે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ, ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ થઈ ગયાં પછી પણ આવી કોઈ કાર્યવાહી થયાનું અત્યાર સુધી બન્યું છે. પોલીસની હાજરીમાં જ કોરોના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. કોરોના નિયમોનું પાલન નહીં કરવામાં લગભગ બધાં રાજકીય પક્ષો સરખાં પૂરવાર થઈ રહ્યાં છે. સ્થાનિક સ્તરે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ઉમેદવારી નોધાવનારા પક્ષો ગળાડૂબ બન્યાં છે. અત્યારે તો કોરોનાનો કોઈ ભય જણાતો નથી.