વલસાડ : ધરમપુર તાલુકાના પોલીસને મળેલી બાતમીના આધારે ધરમપુરના PSI A.K. દેસાઈ તથા સ્ટાફે આવધાથી પંગારબારી રોડ ઉપર પેટ્રોલીંગ કરતા પીપરોળ ઘાટ ઉતરતી વખતે આવધા તરફથી આવેલા પિકઅપ ટેમ્પો નંબર GJ-18-X-4711ને રોકી તપાસ કરતા અંદર ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલી એક ગાય, 3 વાછરડા ગાય અને વાછરડા ભરેલો ટેમ્પા સાથે એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે મળેલી બાતમી આધારે ગાય અને વાછરડા ભરેલો ટેમ્પો સાથે એકને ઝડપી પાડ્યો હતો. પેણધાના પકડાયેલા પિકઅપ ચાલક રમેશ બાપજીભાઈ ધનગરે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે  તીસ્કરી ગામે એક ખુલ્લા ખેતરમાંથી ગાયો કાસટબારીના નગીન નામના ઇસમે ભરી આપી તેમના ઘરે લઈ જવાના હતા. અને ત્યાંથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાના હતા.

પોલીસના જણાવ્યા અનુસાર પશુઓ કિંમત રૂપિયા 14,000, પિકઅપ કિંમત રૂપિયા ત્રણ લાખ, મોબાઇલ કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 3, 19, 000ના મુદ્દામાલ કબ્જે કરી પશુઓને સાચવણી માટે અજિત સેવા ટ્રસ્ટ વાપી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. મુક પશુઓના બચાવથી ધરમપુરના PSI અને તેમના સ્ટાફે માનવતાની મહેક પ્રસરાવી છે.