રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં નર્સિંગ કોલેજમાં ચાલતા સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડની વિગત પ્રદેશના શિક્ષણ વિભાગ સુધી પહોંચતા હવે આ સ્કોલરશીપ કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મહત્વનું છે કે સ્કોલરશીપથી વંચિત કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હડતાળ પર બેઠા હતા અને ત્યારબાદ જ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ કોભાંડથી સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ નાનકડા પ્રદેશમાં નર્સિંગ કોલેજમાં ચાલતા સ્કોલરશીપ કૌભાંડનો આંકડો અત્યાર સુધી અંદાજે ત્રણ કરોડને આંબી રહ્યો છે. આગળની તપાસમાં કૌભાંડનો આંકડો કરોડોને આંબી જાય તેવું લાગી રહ્યું છે. પ્રદેશના શિક્ષણ વિભાગ ઉચ્ચ અધિકારીએ પણ આ મામાલે ગંગભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં મસમોટું સ્કોલરશીપ કૌભાંડ ઝડપાયું છે. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રસાસન દ્વારા અપાતી સ્કોલરશીપને બારોબાર વચેટિયાઓ દ્વારા ચાઉં કરી લેવાના આ કૌભાંડ હાલ તો 3 કરોડનો આંકડો આંબી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નર્સિંગ કોર્સના કેટલાક  વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા 100 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હડતાલ પર  બેઠા હતા. હડતાલ પર ઉતરેલા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મળ્યા બાદ જ હડતાળ પૂરી કરશે તેવી જીદ પર ઉતર્યા હતા. જે બાદ આખો મામલો શિક્ષા સચિવ સુધી પહોંચતા પ્રદેશમાં ચાલતા મસમોટા નર્સિંગ કૌભાડનો પર્દાફાસ થયો છે.

પ્રદેશમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે 6 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની માંગ કરી રહ્યા હતા અને પોતાને સ્કોલરશીપ આપવાની માંગ સાથે કેટલાક સ્થાનિક યુવા આગેવાનોને સાથે રાખી અને હડતાળ પર ઉતર્યા હતા. પ્રશાસન સમક્ષ સ્કોલરશીપ ની માંગ કરી હતી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનો મોટો ભાગ અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. આથી આ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે દાદરાનગર પ્રશાસન દ્વારા પ્રદેશના અંતરિયાળ આદિવાસી બાળકોને ભણતર માટે મસમોટી સ્કોલરશીપ મળે છે. આમ વિદ્યાર્થીઓને હજારો  રૂપિયાની મોટી સ્કોલરશીપ મળતી હોવાથી કેટલાક દલાલો પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પર નજર બગાડીને નર્સિંગ કોલેજમાં એડમિશનના નામે સ્કોલરશીપ કૌભાંડોની શરૂઆત કરી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ માત્ર દાદરાનગર હવેલીમાં જ નહિ પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત,નર્મદા, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નર્સિંગ કોલેજમાં એડમિશનના નામે સ્કોલરશીપ કૌભાંડો થાય છે. આ કોભાંડ બહાર લાવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તપાસ કરી કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.