કેન્દ્રના સરકારના નવા ત્રણ કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂતો પોતાના વલણ પર મકકમ દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પોતાની શક્તિ બતાવવા માટે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાનુ એલાન કર્યુ છે. ટ્રેક્ટર રેલી માટે ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે ખેડૂત નેતાઓને ચિંતા થવા માંડી છે કે, ખોટી નિવેદનબાજીથી બચવુ જોઈએ. કિસાન સંઘર્ષ સમિતિના હરિયાણા એકમના સંયોજક મનદીપ નથવાને કહ્યુ હતુ કે, એવુ કહેવાય છે કે, ખેડૂતો લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે અને ટેન્ક, ટ્રેક્ટરની પરેડ એક સાથે યોજાય. આવા નિવેદનો ખેડૂતોના હીતમાં નથી. કેટલાક લોકો સરકારના ઈશારે આંદોલનને હિંસક બનાવવા માંગે છે.

મહત્વનું છે કે, ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે 14 જાન્યુઆરીએ નિવેદન આપ્યુ હતુ કે, 26 જાન્યુઆરીએ એક તરફ કિસાન અને એક તરફ જવાન હશે. ખેડૂતો લાલ કિલ્લાથી ઈન્ડિયા ગેટ સુધી સરઘસ કાઢશે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ ટ્રેકટર માર્ચની તૈયારી શરુ કરી છે. જેમાં એક લાખ ટ્રેકટરોને પંજાબથી દિલ્હી લાવીને સામેલ કરવાની યોજના છે. મનદીપ નથવાને કહ્યુ હતું  કે, આંદોલન સરકાર સામે છે. દિલ્હી સામે નહી. અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખીશું પણ પ્રચાર એવો કરાઈ રહ્યો છે કે, જાણે દિલ્હી સાથે અમે યુધ્ધમાં ઉતરવાના હોઈએ. સરકારને ભ્રમ છે કે, આંદોલન તોડી નાંખીશું પણ એવુ નહીં થાય.