ભારતમાં વિશ્વનું સૌથી મોટુ કોરોના વૅક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. જેના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને વૅક્સીન આપવામાં આવશે. જો કે વૅક્સીનેશન અભિયાનના પ્રથમ દિવસે જ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ કોવેક્સીનની રસી પર વાંધો ઉઠાવ્યો છે.
કોરોના મહામારીને માત આપવા માટે આખરે આતુરતાનો અંત આવી ગયો છે અને દેશભરમાં વૅક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. જો કે આ અભિયાન શરૂ થતાં જ દિલ્હીની RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ મેડિકલ સુપ્રિટેન્ડન્ટને પત્ર લખીને કોવેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડની વૅક્સીન લગાવવાની માંગ કરી છે.
પત્રમાં લખ્યું છે કે, અમે RML હોસ્પિટલના સભ્યો છીએ. અમને જાણવા મળ્યું છે કે, હોસ્પિટલ તરફથી કોવિડ વૅક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે અમારી હોસ્પિટલમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા ડેવલોપ કરવામાં આવેલી કોવિશીલ્ડની જગ્યાએ ભારત બાયોટેક દ્વારા વિક્સીત કોવેક્સીનની રસી મૂકવામાં આવી રહી છે. રેસિડન્ટ ડૉક્ટર્સને કોવેક્સીનના ટ્રાયલ મામલે આશંકા છે અને આથી તેઓ વૅક્સીનેશન પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. આ પ્રકારે વૅક્સીનેશનનો હેતુ સફળ નહીં થાય.
ડૉક્ટર્સે મેડિકલ સુપ્રિટેન્ડન્ટને અપીલ કરી છે કે, કોવિશીલ્ડ વૅક્સીન સાથે અભિયાન ચલાવવામાં આવે, કારણ કે કોવિશીલ્ડે વૅક્સીનેશન પહેલા ટ્રાયલના તમામ તબક્કાઓ પૂર્ણ કર્યા છે. મહત્વનું છે કે, દિલ્હીમાં 75 સેન્ટર્સ પર કોવિશીલ્ડ, જ્યારે 6 સ્થળોએ કોવેક્સીનની રસી આપવામાં આવી છે. આ તમામ સેન્ટર્સને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી છે.