સોમવારે ભારત અને ઓસ્ટ્રેવિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી. આ ડ્રો મેચ ભારત માટે કોઈ જીતથી ઓછી નહતી, કારણ કે ભારતની પાસે પ્લેઇંગ ઇલેવનમાં ઘણા એવા ખેલાડી હતા જે 100 ટકા ફીટ નહતા. આ કારણ રહ્યું કે, મેચ પૂરી થયા બાદ તે વાતની પુષ્ટિ થઈ ગઈ કે બે મોટા ખેલાડીઓ ચોથી અને ફાઇનલ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. આ ભારત માટે મોટો ઝટકો છે.
હકીકતમાં બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં પુષ્ટિ કરી છે કે સોમવારે સંપન્ન થયેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે બેટિંગ કરવા સમયે જાડેજાને ઈજા થઈ હતી. બાદમાં તે સ્કેન માટે ગયો અને જાણવા મળ્યું કે, તેનો અંગૂઠો ડિસ્લોકેટ થઈ ગયો છે. આ ઓલરાઉન્ડર હવે ભારત પરત ફર્યા પહેલા સિડનીમાં એક હાથ નિષ્ણાંતની સલાહ લેશે અને પછી પોતાની ઈજા મેનેજમેન્ટ માટે નેશનલ ક્રિકેટ એકેડમી જશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એટલે કે બીસીસીઆઈએ અખબારી યાદીમાં કહ્યું કે, જાડેજા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 15 જાન્યુઆરીથી રમાનારી અંતિમ ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે નહીં. આ રીતે ભારત માટે એક મોટો ઝટકો છે, કારણ કે જાડેજા ટીમને એક ઓલરાઉન્ડર તરીકે મજબૂત કરે છે. તે બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જાડેજા સિવાય બીજો ઝટકો ભારતીય ટીમને વિહારીના રૂપમાં લાગ્યો છે, કારણ કે તેને હેમસ્ટ્રિંગ ઇંજરી છે અને તે ચોથી ટેસ્ટ રમશે નહીં. બધા જાણે છે કે ત્રીજી ટેસ્ટ ડ્રો કરાવવામાં હનુમા વિહારીનું મહત્વનું યોગદાન રહ્યુ છે, કારણ કે તેણે ઈજા છતાં ત્રણ કલાક બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો હતો. આ રીતે ભારત માટે આ ડબલ ઝટકો છે.