ભારતે સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીનને ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી આપતા, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના વેક્સીન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. જેમાં શશિ થરુર અને જયરામ રમેશ મોખરે છે. ત્યારબાદ રસી મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધન મેદાનમાં આવ્યા છે અને આ તમામ લોકોને જવાબ આપ્યો છે.

ડો. હર્ષવર્ધને કહ્યું કે આવા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર રાજનીતિ કરવી અપમાનજનક છે. તેમણે શશિ થરુર, જયરામ રમેશ અને અખિલેશ યાદવને ટેગ કરીને ટ્વિટ કર્યુ છે કે કોવિડ-19 વેક્સીનને મંજૂરી આપવા માટેના વૈજ્ઞાનિક પ્રોટોકોલને ખંડિત કરવાનો પ્રયાસ ના કરો. આ સિવાય ડો. હર્ષવર્ધને અંતમાં લખ્યું કે તમે પોતાને જ બદનામ કરી રહ્યા છો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા શશિ થરુર અને જયરામ રમેશે કોવેક્સીનને વહેલી મંજૂરી આપી દેવામાં આવી છે તેમ કહીને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ દેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ અંગે સ્પષ્ટતા કરવાનું પન કહ્યું હતું. ત્યારે હવે ડો. હર્ષવર્ધને તેમને જવાબ આપ્યો છે.

તો બીજી બાજુ કોંગ્રેસના પ્રવકતા સસુરજેવાલાએ સ્વદેશી વેક્સિન માટે વિજ્ઞાનીઓ અને ભારત બાયોટેકની પ્રશંસા કરી છે. કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે આવ્યા બાદથી ભાજપના નેતાઓ પણ તેની સામે પ્રતિક્રિયા આપી રહ્યા છે.