સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર એ છે કે હવે ૨૦૨૧ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષા લેવામાં નહીં આવે. મંગળવારે કેન્દ્રિય શિક્ષા મંત્રી રમેશ પબોખરિયાલ નિશંકે આ વાતની જાહેરાત કરી છે. શિક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે વર્તમાન પરિસ્થિતિમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા લેવી શક્ય નથી. માર્ચ મહિનામાં પરીક્ષા લઇ શકાશે કે કેમ તે અંગેનું આયોજન શરુ છે. તમામ રીતે નિરીક્ષણ બાદ સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓની તારીખને જાહેર કરવામાં આવશે.
મંગળવારે શિક્ષા મંત્રી દેશભરના શિક્ષકો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. તે દરમિયાન તેમણે આ ઘોષણા કરી છે. આ પહેલા પણ તેઓ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પુરતો સમય આપવામાં આવશે. તેમણે 10 ડિસેમ્બરે કહ્યું હતું કે પરીક્ષા માર્ચમાં જ આયોજીત કરવાની કોઇ અનિવાર્યતા નથી. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવશે.
શિક્ષા મંત્રીએ જણાવ્યું કે 2021ના વર્ષના બોર્ડની પરીક્ષા માટે સીબીએસઇ દ્વારા 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરવામાં આવ્યો છે. આ સિવાય માર્કશીટમાંથી ફેઇલ શબ્દનો પણ દૂર કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઇ વિદ્યાર્થી ફેઇલ નહીં થાય. સાથે જ એ પણ સ્પષ્ટ થયું છે કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા ઓનલાઇન નહીં લેવાઇ. પરીક્ષાનું આયોજન ઓફલાઇન જ કરાશે. આ વખતે પરીક્ષામાં 33 ટકા આંતરીક વિકલ્પો આપવામાં આવશે. વધુમાં જણાવ્યું કે ઇન્ટરનલ પરીક્ષા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે દેશમાં અનેક સ્કૂલો ગ્રામિણ વિસ્તારમાં હોવાના કારણે ઓનલાઇન પરીક્ષા સંભવ નથી. ફેબ્રુઆરી બાદ ક્યારે પરીક્ષી લેવામાં આવે તેના ઉપર વિચાર થઇ રહ્યો છે.